મોરબી જિલ્લામાં માવઠાથી ખેડૂતો ઉપર પાકની નુક્શાનીનું તોળાતું સંકટ

- text


વાદળછાયા વાતાવરણથી કમોસમી વરસાદ પડવાની સંભાવનાથી ખેડૂતો ફફડી ઉઠ્યા

મોરબી : મોરબી જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે આજે સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા અને ક્યાંક ઝાપટું પડ્યું હતું. જો કે હજુ છાંટા જ પડ્યા હોય પણ વાદળછાયા વાતાવરણથી વરસાદ પડવાની શક્યતાથી પાકની નુકશાનીનો ખતરો તોળાતો હોવાથી ખેડૂતો ફફડી ઉઠ્યા છે.

મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારે કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા. આ કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતિત થઈ ગયા છે. કારણ કે, ખેતરોમાં હજુ રવિ પાક ઉભો હોય અને ખેતરોમાં જીરું, ધાણા સહિતના પાકોનો ઢગલો કર્યો હોવાથી જો કમોસમી વરસાદ પડે તો આ પાક બગડી જાય છે. આથી ખેડૂતોમાં પાકની સંભવિત નુક્શાનીની ભીતિથી ફાળ પડી છે.

ટંકારાના અમારા પ્રતિનિધિ જયેશભાઇના જણાવ્યા મુજબ આજે સવારે જ ટંકારા પંથકમાં કમોસમી વરસાદના છાંટા પડતાની સાથે ખેડૂતો પોતાના વાડી-ખેતરોમાં પહોંચી ગયા હતા. કારણ કે ખેતરો અને વાડીમાં રવિ પાકના ઉતારા કરવામાં આવ્યા છે. અને ખેતરોમાં પાકના ઢગલા કરીને રાખ્યા હોય આ પાક બગડી ન જાય તે માટે ખેડૂતો પાક ઢાંકવાની વ્યવસ્થામાં મંડી પડ્યા છે. આ માવઠાથી ખેડૂતોમાં પાકની નુકશાનીની ભીતિની સાથે ડબલ ઋતુથી બીમારીઓ વધવાની દહેશત છે.

- text

હળવદના પ્રતિનિધિ મેહુલભાઈએ જણાવ્યું હતું કે સવારે કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા. અત્યારે વરસાદ ન હોય પણ વાદળછાયું વાતાવરણ હોવાથી કમોસમી વરસાદ પડે તો ખેડૂતોનો પાક પલળી જાય એમ છે. જિલ્લામાં સૌથી વધુ પિયત ધરાવતા હળવદ તાલુકામાં મોટા પ્રમાણમાં રવિ પાકનું વાવેતર થયું હોય આ સંભવિત માવઠાને કારણે ખેડૂતોની અત્યારે હાલત બગડી ગઈ છે.

માળીયાના પ્રતિનિધિ કાસમભાઈએ જણાવ્યું હતું કે, માળીયાના મોટાભેલા સહિતના આસપાસના ગામોમાં કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું હતું. જેના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે.

વાંકાનેરના પ્રતિનિધિ હરદેવસિંહએ જણાવ્યું હતું કે, વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા. અત્યારે વરસાદ ન હોય પણ વાદળછાયું વાતાવરણ હોવાથી કમોસમી વરસાદ પડે તો ખેડૂતોનો પાક બગડી જાય તેવી દહેશત છે.

- text