હળવદના સરા રોડ ઉપર ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા

- text


નવા રોડનું નબળું કામ થયું હોવાથી ટૂંકાગાળામાં રોડ પર મસમોટા ખાડા પડતા વાહન ચાલકો પર અકસ્માતનો ભય

હળવદ : હળવદ શહેરમાં સતત ટ્રાફિક ધમધમતો અને તાજેતરમાં નવો બનાવેલો સરા રોડ ઉપર ભ્રષ્ટાચારના ગાબડા પડતા ટૂંકાગાળા આ રોડની ભંગાર જેવી હાલત થઈ ગઈ છે.નવા રોડનું નબળું કામ થયું હોવાથી ટૂંકાગાળામાં રોડ પર મસમોટા યમદૂત સમાન ખાડા પડતા વાહન ચાલકો પર અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે. રોડ બનાવ્યાના ટૂંકા સમયમાં રોડની આવી ખરાબ હાલત થઈ જતા રોડના કામમાં લોટ પાણીને લાકડા જેવી કામગીરી થઈ હોવાનું બહાર આવ્યું છે.

હળવદ શહેરમાં હજારોની સંખ્યામાં વાહન ઘસારો ધરાવતા સરા રોડને થોડા સમય પહેલા નવો બનાવવામાં આવ્યો હતો. પણ આ રોડ બનાવવામાં હલકી કક્ષાની સામગ્રીનો ઉપયોગ થયો હોય એમ ટૂંકાગાળામાં જ આ રોડ તૂટી ગયો છે અને નવા રોડ ઉપર એટલા મોટા ખાડા પડયા છે કે આ ખાડા યમદૂત સમાન સાબિત થાય તેવી સ્થિતિ છે. નવો રોડની ટુક સમયમાં ખરાબ દુર્ઘશ થઈ ગઈ છે અને મસમોટા ખાડા તરવવા જતા અકસ્માત થાય તેવી દહેશત સેવાય રહી છે.

સરા રોડ ઉપર હજારો વાહનોની અવરજવર થઈ રહી હોય આ નવા રોડ ઉપર ટૂંકાગાળામાં મોટી ખાઈ જેવા ખાડા પડતા રોડના કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. જો કે વાહન ચાલકો પુરપાટે નીકળતા હોય ત્યારે રોડ ઉપર અચાનક જ મોટો ખાડો આવે ત્યારે બેલેન્સ ન રહે તો સીધા યમરાજના દરબારમાં પહોંચી જવાય તેવી રોડની ભયજનક હાલત થઈ ગઈ છે. જો કે આ રોડ ઉપર પસાર થતી વખતે ખાડાને કારણે વાહનો નાવની જેમ હાલક ડોલક થાય છે. જાણે વાહનો ઊંટ સવારી કરતા હોય તેવો ખરાબ અનુભવ થાય છે. ગોઠણ સમાં ખાડા પડતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે અને અકસ્માતનું જોખમ પણ તોળાઈ રહ્યું છે. આથી આ રોડની તાકીદે યોગ્ય મરમત કરવાની સાથે રોડનું નબળું કામ બાબતે યોગ્ય તપાસ કરીને તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી શહેરીજનોએ માંગ ઉઠાવી છે.

- text

- text