ટંકારાની વાઘગઢ પ્રાથમિક શાળામાં શ્રમયોગી પરિવારનું સ્નેહમિલન યોજાયું

- text


ટંકારા : ટંકારા તાલુકાના વાઘગઢ ગામે આવેલી પ્રાથમિક શાળા દ્વારા નવતર પ્રયોગના ભાગરૂપે વાઘગઢ ગામના સીમતળમાં રહીને કામ કરતાં શ્રમયોગી પરિવારોના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રમયોગી પરિવારના બાળકોમાં શિક્ષણનું પ્રમાણ વધે અને નિરક્ષરતા દૂર કરી સાક્ષર સમાજ બને એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોમાં રહેલી ક્ષમતાઓ તેમના માતા પિતા રૂબરૂ જુએ એ હેતુથી શાળામાં બાળકોને તેમની સમક્ષ પોતપોતાની ક્ષમતાઓ અને આવડતનું પ્રદર્શન કર્યું હતું. પોતાના બાળકોમાં રહેલા કૌશલ્યો જોઈને તેમના માતાપિતા પણ દંગ રહી ગયા હતાં.

દરેક બાળકોમાં સંસ્કાર વિકસે એવા પાવન હેતુથી શાળામાં બાળકો ભોજન મંત્ર બોલીને ત્યારબાદ જ ભોજન ગ્રહણ કરે છે. બાળકોની આ સુટેવ માત્ર શાળા પૂરતી મર્યાદિત ન રહેતા સીમમાં પોતાના ઘરે જાય ત્યારે પણ તેઓ મંત્ર બોલ્યા બાદ જ ભોજન ગ્રહણ કરે છે. સીમમાંથી આવેલા શ્રમયોગી માતાપિતા ને શાળામાં વિવિધ કાર્યક્રમોમાં દર્શન કર્યા બાદ પોતાના બાળકો પૂર્ણ શિક્ષણ મેળવે અને શિક્ષણ બાબતે જાગૃતતા આવે તે માટે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત પોતાના ધર્મમાં સાચી શ્રદ્ધા ટકે અને કોઈ અંધશ્રદ્ધાનો વ્યાપ પરિવારમાં ના થાય તે બાબતે પણ વિસ્તૃત આધ્યાત્મિક ચર્ચાઓ કરવામાં આવી હતી.

ઉપરાંત શ્રમયોગી પરિવારના લોકો વ્યસનમુક્ત બને અને વ્યસનથી આર્થિક, શારીરિક અને સામાજિક નુકશાન થાય છે. તેમજ તેની વિપરીત અસર પોતાના અને પરિવારના લોકો પર પણ પડતી હોય વ્યસનથી દૂર રહેવા માટે પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. સાથે જ અંધશ્રદ્ધાથી દુર રહેવા પણ જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાષ્ટ્ર ધર્મ પ્રત્યે દરેક લોકો જાગૃત બને અને પોતાના વતનમાં જાય ત્યાં પણ વિસ્તૃત જાગૃતિ લાવવા માટે આહ્વાન કરાયું હતું.

શાળાના શિક્ષક દેવેન્દ્રભાઈ દ્વારા રહેણીકરણી, ખોરાકમાં સાત્વિકતા અને વાણીમાં પવિત્રતા વગેરે આવે તે અંગે વાલીઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો. ત્યારબાદ શ્રમયોગી પરિવારના તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભોજન બાદ ટંકારાના દયાલમુની દ્વારા 70 પરિવારોને એક ગરમ બ્લેન્કેટ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમે વાસ્તવિક રીતે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા દેવેન્દ્રભાઈ, નવનીતભાઈ, ચાંદનીબેન તથા સરપંચ વલ્લભભાઈ, રામજીભાઈ, નિલેશભાઈ, મનસુખભાઇએ જહેમત ઉઠાવી હતી.

- text

- text