ડબલ ચાર્જમાં ડિમાન્ડ તળિયે : વોલ, ફ્લોર, વિટ્રિફાઇડ, જીવીટી-પીજીવીટી અને સેનેટરીવેર્સમાં ધીમા કામકાજ

- text


મોરબીનો સિરામીક ઉદ્યોગમાં હજુ 25 ટકા કારખાનાઓ બંધ

મોરબી : કોરોના મહામારીમાં મોરબીના સિરામીક ઉદ્યોગની ગાડી ટોપ ગિયર્સમાં દોડ્યા બાદ અચાનક જ ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મંદીનું ગ્રહણ લાગવાની સાથે ગેસ અને રો મટીરીયલના ભાવમાં તોતિંગ વધારો સહિતના પરિબળોના કારણે મોરબીનો સિરામીક ઉદ્યોગ મંદીમાં ગરક થયો છે. સિરામીક ક્લસ્ટર મોરબીમાં આવેલા 850થી 900 જેટલા સિરામીક યુનિટ પૈકી સરેરાશ 200 એકમો એટલે કે 25 ટકા એકમો અસ્તિત્વ ટકાવવા સ્વૈચ્છીક શટડાઉન કરી પ્રોડક્શન અટકાવી દીધું છે.

મોરબી સીરામીક ક્લસ્ટરમાં વોલ, ફ્લોર, વિટ્રિફાઇડ, જીવીટી-પીજીવીટી,ડબલ ચાર્જ અને સેનેટરીવેર્સના અલગ -અલગ 850થી 900 જેટલા એકમો આવેલા છે, કોરોના મહામારી પહેલા અને બાદ પણ આ તમામ એકમો 24 કલાક ધમધમતા હતા પરંતુ કોરોના મહામારીની બીજી લહેર બાદ ગેસના ભાવમાં વધારો, રો મટિરિયલના ભાવમાં ઉછાળો અને છેલ્લે ટ્રાન્સપોર્ટના ભાડા વધારા બાદ સિરામીક ઉદ્યોગમાં મંદી ઘર કરી ગઈ છે પરિણામે મોરબીના સિરામીક ઉદ્યોગે ઇતિહાસમાં પ્રથમ વખત એક મહિના જેટલો સમય સુધી શટડાઉનનો માર્ગ અપનાવી માંગ ડિમાન્ડ અને સપ્લાયની ચેઇન મજબૂત કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ હજુ પણ ગાડી પાટે ચડી નથી.

- text

મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખ વિનોદ ભાડજાના જણાવ્યા મુજબ હાલમાં મોરબીમાં વોલ, ફ્લોર, વિટ્રિફાઇડ, જીવીટી-પીજીવીટી,ડબલ ચાર્જ અને સેનેટરીવેર્સ મળી કુલ 850થી 900 જેટલા એકમો આવેલા છે જેમાં સૌથી વધુ મંદીની અસર ડબલ ચાર્જ ટાઇલ્સ ઉપર જોવા મળી રહી છે. એકંદરે મોરબીમાં સરેરાશ 200 એકમો બંધ રહે છે.જો કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જીવીટી અને પીજીવીટી સેગમેન્ટમાં મધ્યમસર ડિમાન્ડ જળવાયેલી રહેતા જીવીટી અને પીજીવીટી એકમો સારી રીતે ચાલી રહ્યા છે જયારે અન્ય એકમોમાં મંદીની સ્થિતિ જોવા મળી રહી છે.

આમ, છેલ્લા એકાદ મહિનામાં ગુજરાત ગેસ દ્વારા સરેરાશ 15થી 16 રૂપિયા જેટલો ભાવ ઘટાડો કરવા છતાં પણ ઉત્પાદનની તુલનાએ માંગ તળિયે બેસી જતા ગુજરાત ગેસ કંપનીની ગેસ સપ્લાય પ્રતિદિન 55થી 60 લાખ ક્યુબિક મીટરની જગ્યાએ 16 લાખ ક્યુબિક મીટર પહોંચી જતા મંદીના સ્પષ્ટ અણસાર મળી રહ્યા છે.

- text