પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વ્યસન મુક્તિ અને જીવન પરિવર્તન દિનની ઉજવણી

- text


 

૪૦ લાખ કરતાં વધુ લોકોને વ્યસનમુક્તિની પ્રેરણા આપતાં વ્યસનમુક્તિ આંદોલનોના પ્રહરી પ્રમુખસ્વામી મહારાજને  બિરદાવતા મહાનુભાવો

દેશ-વિદેશના શીર્ષસ્થ નેતાઓથી લઈને ઉદ્યોગપતિઓ, ઉચ્ચ હોદ્દેદારો, વિજ્ઞાનીઓ, આદિવાસીઓ કે ખેડૂતો સુધી વિસ્તરેલ વ્યસનમુક્તિ અને જીવનપરિવર્તનનાં વિરાટ કાર્યોની ઝાંખી પ્રસ્તુત થઈ  

મોરબી : આજે  ‘વ્યસનમુક્તિ અને જીવન પરિવર્તન દિન’ના ઉપક્રમે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિશિષ્ટ સંધ્યા સભાનું આયોજન થયું હતું. જેમાં અનેકવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વ્યસન મુક્તિના વિરાટ જનઆંદોલનના પ્રયોજક એવા સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજને ઉપસ્થિત મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ આપી હતી.

ભગવાન સ્વામિનારાયણ અને તેમના ૩૦૦૦ પરમહંસો ગામડે ગામડે વ્યસનમુક્તિની આહ્લેક લઈને ઘૂમી વળ્યા હતા. લોકોને વ્યસનમુક્ત અને સદાચારયુક્ત બનાવવાના  વિરાટ કાર્યને જીવંત રાખવાનો યશસ્વી પુરુષાર્થ કરનાર હતા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ.  પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને વર્તમાનકાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં BAPS સંસ્થા દ્વારા વિરાટ વ્યસનમુક્તિ આંદોલનો દ્વારા લાખો વ્યસનીઓ વ્યસનોની ચુંગાલમાંથી મુક્ત થયા.

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે ૮ થી ૨૨ મે, ૨૦૨૨ દરમિયાન ભારતમાં વિરાટ વ્યસનમુક્તિ અભિયાન યોજાયું હતું, જેમાં ૧૨ થી ૧૪ વર્ષની ઉંમરનાં ૧૬,૦૦૦ બાળકોએ ઘરોમાં, ઓફિસોમાં, ફેક્ટરીઓમાં તેમજ  બસ સ્ટેશન, રેલવે સ્ટેશન વગેરે જાહેર સ્થળોએ જઈને ૧૪ લાખ લોકોને મળીને વ્યસનમુક્તિનો સંદેશો આપ્યો. ૧૫ દિવસીય આ અભિયાનમાં ૪ લાખ લોકો વ્યસન્મુક્ત થવા સંકલ્પબદ્ધ થયા. ૩૧ મે, ૨૦૨૨ ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિનના ઉપક્રમે BAPS ના ૫૦,૦૦૦ કરતાં વધુ બાળ-બાલિકાઓએ સમગ્ર ગુજરાત અને ભારતમાં  ૧૦૦ જેટલી વ્યસનમુક્તિ રેલીઓ દ્વારા વ્યસનમુક્તિનો સંદેશ આપ્યો હતો.

૧૯૮૫ માં કેન્યાના મંત્રી જોસેફ મટુરિયાએ જાહેરસભામાં પ્રમુખસ્વામી મહારાજ સમક્ષ દારૂ નહીં પીવાની પ્રતિજ્ઞા લીધી હતી. ૧૨ મે, ૨૦૦૭ ના રોજ BAPS  મંદિર, નૈરોબી ખાતે પ્રમુખસ્વામી મહારાજને મળતાં તેમણે કહ્યું, “ પ્રમુખસ્વામી મહારાજે મારું  વ્યસન ૨૨ વર્ષ પહેલાં છોડાવી દીધું. ત્યાર પછી એક પણ વાર મને દારૂ પીવાનું મન થયું નથી. તેમણે મારું જીવન પરિવર્તન કરી નાખ્યું છે.”

ભગવાનની ધૂન, પ્રાર્થના અને કીર્તન સાથે સાંજે ૫.૧૫ વાગ્યે કાર્યક્રમનો  શુભારંભ કરવામાં આવ્યો હતો. BAPS ના સંગીત વૃંદ દ્વારા ‘મન માન કહ્યું તે મારું’ કીર્તનની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.BAPS ના વિદ્વાન સંત પૂ. આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ શ્રેણી હેઠળ પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય જીવન અને કાર્યને અંજલિ આપતાં કહ્યું, “પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રમુખસ્વામી મહારાજની દિવ્યતા પ્રાપ્ત થાય છે અને પ્રમુખસ્વામી મહારાજ સાક્ષાત્ આ નગરમાં બિરાજમાન હોય તેવી અનુભૂતિ થાય છે. પ્રમુખસ્વામી મહારાજને એકવાર પૂછ્યું કે આપનો પ્રિય વિષય શું છે ત્યારે બાપાએ જવાબ આપતા કહ્યું કે,  “ભગવાન ભજવા અને ભજાવવા” અને પ્રમુખસ્વામી મહારાજે ભગવાન ભજવાને પોતાનો વ્યવસાય માન્યો હતો.

પ્રમુખસ્વામી મહારાજ ચોવીસ કલાક  અખંડ ભજનમય રહેતા હતા અને બીમાર અવસ્થામાં પણ ભજનાનંદી જીવનશૈલી બદલાતી નહોતી. પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે, “ભજન કરવાથી ભગવાન રાજી થાય અને આપણાં અંતરમાં શાંતિ વર્તે છે.”

- text

BAPS ના સંગીત વૃંદ દ્વારા ‘કયું રીઝેગા રામ’ કીર્તનની પ્રસ્તુતિ કરવામાં આવી હતી BAPSના વિદ્વાન સંત પૂ. અનિર્દેશ સ્વામીએ ‘વ્યસનમુક્તિના વિશ્વદૂત પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક પ્રવચન કર્યું હતું.  ત્યારબાદ પ્રમુખસ્વામી મહારાજના વ્યસનમુક્તિ આંદોલન દ્વારા જીવન ઉત્કર્ષનાં કાર્યોને  દર્શાવતી વીડિયો પ્રસ્તુત કરવામાં આવી હતી.

BAPS ના વરિષ્ઠ સંત પૂ. ભક્તિપ્રિય સ્વામી(કોઠારી સ્વામી)એ જણાવ્યું,“પ્રમુખસ્વામી મહારાજ ભગવાનના અખંડ ધારક સંત હતા અને આપણને સૌને તે જ માર્ગે ચાલવાની પ્રેરણા આપી છે.પ્રમુખસ્વામી મહારાજે અનેક લોકોને વ્યસનમુક્ત કર્યા છે અને તે માટે અથાગ પુરુષાર્થ કર્યો છે.પ્રમુખસ્વામી મહારાજના આદેશે અનેક લોકોએ પોતાના વ્યસનોનો ત્યાગ કર્યો છે અને પાછળથી પ્રમુખસ્વામી મહારાજ ખટકો રાખીને વારે વારે યાદ પણ કરાવતા હતા.પ્રમુખસ્વામી મહારાજ શહેરી વિસ્તારોથી લઈને આદિવાસી વિસ્તારોમાં રહેતા તમામ લોકોને વ્યસનમુક્ત કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા હતા. “

ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ડૉ પંકજ શાહે જણાવ્યું,“પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ સદાય આપણી સાથે છે અને આજે તેમના સ્વરૂપ મહંતસ્વામી મહારાજ ના આશીર્વાદ પણ સતત સાથે છે.તમાકુ મતલબ તમારું,મારું અને કુટુંબનું બધાનું વિનાશ કરે તે.પ્રમુખસ્વામી મહારાજે બતાવેલ વ્યસનમુકિતના રસ્તાઓ  સમાજને વ્યસનમુક્ત કરવા માટેના અસરકારક રસ્તાઓ છે, કારણકે વ્યસનમુકિતના સંદેશો પ્રમુખસ્વામી મહારાજે બાળકો દ્વારા સમાજ ના ખૂણે ખૂણે પહોચાડ્યા અને તે જ બાળકો મોટા થઈને આદર્શ નાગરિક બનશે અને આદર્શ સમાજ નિર્માણમાં સહભાગી બનશે. જ્યારે જ્યારે આ સંસ્થાને મારી જરૂર પડશે ત્યારે હું ખડેપગે ઊભો રહીને સેવા કરીશ અને મને જે પદ્મશ્રી મળ્યો તેની પાછળ પણ પ્રમુખસ્વામી મહારાજના જ આશીર્વાદ છે. આ નગરમાં આવેલા સૌને મારી વિનંતી છે કે જેને જેને વ્યસન હોય તે ઘરે જતી વખતે વ્યસનમુક્ત થઈને ઘરે જજો.”

- text