સિરામિક એક્સપોર્ટમાં ઉછાળો : નવેમ્બરમાં 1429 કરોડની નિકાસ

- text


અમેરિકા, સાઉદી અરેબિયા, જોર્ડન, યુએઈ, ઇરાક, કુવૈત, થાઈલેન્ડ, ઓમાન, રશિયા અને મેક્સિકોમાં ધૂમ નિકાસ

મંદીમાં ગરક થયેલા સિરામિક ઉદ્યોગ માટે રાહતના સમાચાર

મોરબી : કોરોના મહામારી બાદ ગેસ અને અન્ય રો મટિરિયલના ભાવ વધારા અને એક્સપોર્ટ તેમજ ડોમેસ્ટિક માર્કેટમાં મંદીને કારણે ભીંસમાં મુકાયેલ સિરામિક ઉદ્યોગ માટે નવેમ્બર માસમાં સોનાનો સૂરજ ઉગ્યો હોય તેવી સ્થિતિ વચ્ચે અમેરિકા, રશિયા, મેક્સિકો, થાઈલેન્ડ અને મિડલ ઇસ્ટના દેશોની ધૂમ ખરીદી નીકળતા લાંબા સમય બાદ નવેમ્બર માસમાં 1429 કરોડની નિકાસ થવા પામી છે.

વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામિક ઉદ્યોગમાં નેચરલ ગેસના ભાવ વધારા અને ડોમેસ્ટિક તેમજ એક્સપોર્ટમા મંદી જોવા મળતા ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા હતા. ખાસ કરીને રો મટીરીયલના ભાવ વધારા બાદ સિરામિક ઉદ્યોગ માટે કપરા ચઢાણ શરૂ થતાં ઉદ્યોગકારોને એક મહિનો સુધી સ્વૈચ્છીક શટડાઉન સ્વીકારવું પડ્યું હતું. જો કે ધીરજના ફળ મીઠા ઉક્તિ અનુસાર છેલ્લા બે મહિનામાં ફરી એક્સપોર્ટમાં સારા દિવસો શરૂ થયા છે.

- text

મોરબી સીરામીક એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને અગ્રણી એકપોર્ટર નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે જૂન મહિનામાં 1600 કરોડથી વધુના એક્સપોર્ટ બાદ સપ્ટેમ્બર માસમાં એક્સપોર્ટ ઘટીને 795 કરોડ અને ઓક્ટોમ્બરમાં 1095 કરોડ થયું હતું જે નવેમ્બર માસમાં વધીને 1429 કરોડને પાર થયું છે.

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે નવેમ્બર માસમાં સિરામિક ઉત્પાદનોના વેચાણમાં પ્રચંડ ઉછાળો આવ્યો છે જેમાં અમેરિકા, સાઉદી અરેબિયા, જોર્ડન, યુએઈ, ઇરાક, કુવૈત, થાઈલેન્ડ, ઓમાન, રશિયા અને મેક્સિકોમાં ધૂમ નિકાસ થતા હાલ મોરબી સિરામિકની નિકાસનો આકડો 1429 કરોડને પાર કરી ગયો હોવાનું ઉમેરી ડિસેમ્બરમાં નાતાલને કારણે થોડા ઘટાડા બાદ જાન્યુઆરીમાં નિકાસ હજુ પણ વધે તેમ હોવાનો આશાવાદ નિલેશભાઈ જેતપરિયાએ વ્યક્ત કર્યો હતો.

- text