મોરબીના ધારાસભ્ય અને મંત્રી તરીકે રાજીનામું આપ્યા બાદ બ્રિજેશ મેરજાએ શું પ્રતિક્રિયા આપી ? વાંચો

- text


બ્રિજેશ મેરજાએ મોરબીનો આભાર વ્યકત કરી હવે એક ભાજપ અગ્રણી કાર્યકર તરીકે સમગ્ર ગુજરાતમાં લોકસેવામાં એટલા જ ઉત્સાહ, ખંત અને મહેનતથી સક્રિય રહીશ તેવો કોલ આપ્યો

મોરબી : મોરબી – માળીયા (મીં) ની ૧૪મી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે તેમજ ગુજરાત ભાજપ સરકારના મંત્રી તરીકે વિધિવત રાજીનામું આપ્યા બાદ જણાવ્યું હતું કે મોરબી – માળીયા (મીં) અને સમગ્ર ગુજરાતની સેવા કરવાનો જે અલભ્ય લાભ સાંપડ્યો તે દરમિયાન ૧૮ કલાક સખત પરિશ્રમ વેઠીને પરિણામલક્ષી કામગીરી સફળ બાનાવ્યાના સંતોષના ઓડકાર સાથે બ્રિજેશ મેરજાએ જણાવ્યુ છે કે મારા આ સેવાકાળ દરમિયાન મોરબી – માળીયા (મીં) ના પ્રજાજનો, સંગઠનના કાર્યકરો, જુદા – જુદા સમાજના અગ્રણીઓ, જિલ્લા વહીવટી તંત્રના કર્મયોગીઓ અને પ્રેસ મીડિયાના મિત્રોએ જે હકારાત્મક સહયોગ આપ્યો તે થકી જ હું મારી કામગીરી વધુ સફળતાપૂર્વક વાહન કરી શક્યો છું તે ઋણ માથે ચડાવી સૌ પરત્વે આભારની લાગણી વ્યક્ત કરું છું.

બ્રિજેશ મેરજાએ મંત્રી તરીકેના ટૂંકા કાર્યકાળ દરમિયાન મોરબી – માળીયા (મીં) વિસ્તારના વિકાસ માટે રૂ. ૧૪૦૦ કરોડના વિવિધ પ્રોજેકટો લાવવાનું જે સૌભાગ્ય સાંપડ્યું તેને જિંદગીનું એક યાદગાર સંભારણું ગણાવી લોકોની યતકિંચિત સેવા કરવાના સદ્દભાગ્યને ખુશનશીબ ગણાવ્યું છે. તેમજ મોરબી – માળીયા (મીં)ના પ્રજાજનોને તેમણે કરેલા કામોનો હિસાબ આપતો વિવિધ કામોને આવરી લેતો દળદાર ગ્રંથ પણ લોકો સમક્ષ મુકવાનું તેઓ ચૂક્યા નથી. આમ, મોરબી – માળીયા (મીં) માટે તેમણે અનેક ક્ષેત્રે નવી ભાત ઉપસાવીને ના ભૂતોના ભવિષ્ય જેવુ કાર્ય કરવામાં નિમિત બનવાનું પોતાને કાયમ ગૌરવ રહેશે. લોકો તેમજ અનેક આગેવાનોએ તેમના આ કાર્યની ખૂબ સરાહના પણ કરી છે જે એમની સેવામુડીનું જમાપાસું બની રહેશે. ગુજરાતની ભાજપ સરકારના મંત્રી મંડળમાં સેવા કરવાના રાજ્ય સ્તરે વિકસેલા ફલક ઉપર બ્રિજેશ મેરજા હવે એક ભાજપ અગ્રણી કાર્યકર તરીકે સમગ્ર ગુજરાતમાં લોકસેવામાં એટલા જ ઉત્સાહ, ખંત અને મહેનતથી સક્રિય રહેશે.

- text

મોરબી જિલ્લા સહિત ગુજરાત ભરના નવા ચૂંટાયેલા ધારાસભ્યો વધુ સારી લોકભોગ્ય કામગીરી કરતાં રહે તેવી અપેક્ષા સાથે અભિનંદન પાઠવું છું. ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપના પ્રમુખશ્રી સી.આર.પાટીલ, દેશના ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સહિત સૌ કોઈનો ધારાસભ્ય અને મંત્રી તરીકે કામ કરવાનો અવસર આપવા બદલ પણ ખાસ આભાર માન્યો છે.

વધુમાં બ્રિજેશ મેરજાએ પોતાના જાહેરજીવનના સેવાકાળ દરમિયાન પ્રત્યક્ષ યા પરોક્ષ કોઇની લાગણી દુભાયેલ હોય તો મિચ્છામી દૂકડમ વ્યક્ત કરેલ છે. એટલું જ નહીં આવનારા દિવસોમાં પણ મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યનો સર્વાંગી વિકાસ થાય તે માટે હર હંમેશ હું હકારાત્મક અભિગમ દાખવતો રહીશ. અંતમાં બ્રિજેશ મેરજાએ પોતાની આ જાહેર જીવનની સફર દરમિયાન મળેલા સૌના સાથ સહકાર બદલ ભાવવિભોર લાગણી અને કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરી સૌનો આભાર માન્યો છે તેમજ ભવિષ્યમાં પણ તેમની જાહેર સેવાની આગેકૂચ જારી રહેશે અને આવા જ ઉષ્માસભર સહયોગ ઉત્તરોતર મળતો રહે તેવી અપેક્ષા પણ સેવી છે.

- text