કોન બનેગા MLA ? મોરબી જિલ્લાના મતદારોએ કરેલો નિર્ણય કાલે ગુરુવારે થશે જાહેર..

- text


મોરબી જિલ્લાની ત્રણેય બેઠકના 35 ઉમેદવારના ભાવિનો કાલે ગુરુવારે ફેંસલો

ઘુંટુ ખાતે આવેલ સરકારી પોલી ટેક્નિક કોલેજ ખાતે સજ્જડ સુરક્ષા વચ્ચે સવારથી મતગણણા હાથ ધરાશે

હાઈપ્રોફાઈલ મોરબી બેઠક પર કોણ બનશે ધારાસભ્ય ? તેની દિલધડક ઉજેતનાનો અંત આવશે

મોરબી : પુલ દુર્ઘટનાને કારણે હાઇપ્રોફાઇલ બનેલી મોરબી બેઠક પર કોણ આવશે ? કાંતિલાલ કે જેન્તીલાલ ? તે અંગે ચોરેને ચોંટે છવાયેલી એક ચર્ચા અને ભારે દિલધડક ઉજેતનાનો આવતીકાલે ગુરુવારે અંત આવશે. મોરબી જિલ્લાની ત્રણેય બેઠકના ભાજપ-કોંગ્રેસ અને આપ સહિત 35 ઉમેદવારોના રાજકીય ભાવિનો કાલે ગુરુવારે મંગળવારે ફેંસલો થશે. મોરબી નજીક ઘુંટુ ખાતે આવેલ સરકારી પોલી ટેક્નિક કોલેજ ખાતે સજ્જડ સુરક્ષા વચ્ચે કાલે સવારથી ત્રણેય બેઠકની ચૂંટણીની મતગણણા હાથ ધરાશે. એ સાથે ઇવીએમ કેદ જનતાએ આપેલો સ્પષ્ટ જનાદેશ જાહેર થશે અને બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જવાની શક્યતા છે.

 

મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો વાઇઝ ચૂંટણીમાં મતદાનની ટકાવારી જોઈએ તો મોરબી બેઠક ઉપર 67.16 ટકા મતદાન થયું હતું. ગત વખત કરતા 4.58 ટકા મતદાન ઘટ્યું છે. મોરબી બેઠક પર ગયા વખતે 71.74 ટકા મતદાન થયું હતું. આ વખતે ટંકારા બેઠક પર 71,18 ટકા મતદાન થયું છે. જેમાં ગત વર્ષ કરતા 3.32 ટકા મતદાન ઘટ્યું છે. જ્યારે ગયા વર્ષ 2017માં 74.50 ટકા મતદાન થયું હતું.જ્યારે આ વખતે વાંકાનેર બેઠકમાં આજે 71.19 ટકા મતદાન થયું છે. ગયા વખત કરતા 3.7 ટકા મતદાન ઘટ્યું છે.ગયા વખતે 74.89 ટકા મતદાન થયું હતું. આમ જિલ્લાની ચૂંટણીનું ચિત્ર જોતા વાંકાનેર બેઠકનું જિલ્લામાં સૌથી વધુ મતદાન થયું છે.

- text

મોરબી બેઠક ઉપર ભાજપના કાન્તિલાલ અમૃતિયા અને કોંગ્રેસના જયંતીભાઈ પટેલ વચ્ચે સીધી ટક્કર હતી. પણ આપના ઉમેદવાર પંકજ રણસરિયા પણ ખાસ્સું જોર કરતા ત્રિપાખીયો જંગ ખેલાયો હતો.જ્યારે ટંકારા બેઠક ઉપર કોંગ્રેસના લીલીતભાઈ કગથરા અને ભાજપના દુલર્ભજીભાઈ દેથરીયા વચ્ચે સીધો જંગ હતો. તેમજ વાંકાનેર બેઠક ઉપર કોંગ્રેસ જુના જોગી મહંમદ જાવીદ પીરજાદાની સામે ભાજપના જીતુ સોમણી વચ્ચે રણસંગ્રામ ખેલાયો હતો. આમ કુલ 35 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સિલ થયું છે. જો કે આમ આદમી પાર્ટીના ઉમેદવારને કારણે ત્રણેય બેઠક ત્રિપાખીયો જંગ મનાતો હતો. પણ રાજકીય પંડિતોના માનવા મુજબ ત્રણેય બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે જ કસોકસની ટક્કર થઈ હતી. જો કે ત્રણેય બેઠક પર મુખ્ય ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરાબરીનો જંગ ખેલાયો હોવાથી આવતીકાલે જાહેર થનાર ચૂંટણીના પરિણામોમાં ખબર પડશે કે કોણ વિજેતા અને કોણ પરાજિત થયું છે. સૌથી વધુ મોરબી બેઠક પર સૌની નજર છે. આ બેઠક પર કાંતિલાલ મેદાન મારી જશે ને જેન્તીલાલ? તેની ચૂંટણી પછી છવાયેલી ઉતેજનાનો અંત આવશે. સાથેસાથે આ બન્ને ઉમેદવારોની હાર જીત પર હજારોથી કોરોડો રૂપિયાના દાવ લગાવનાર મહારથીઓમાં કોનું નસીબ ઉઘડશે અને કોને નાહી નાખવાનો વારો આવશે તેની પણ છણેખૂણે ચર્ચાઓ થશે.

મોરબી જિલ્લાની ત્રણ બેઠકોની મત ગણતરી એક જ સ્થળ એટલે મોરબીના ઘુંટુ નજીક આવેલ સરકારી પોલી ટેક્નિક કોલેજ ખાતે આવતીકાલે સવારથી થશે.પહેલા પેપર બેલેટથી મત ગણતરી થશે. ત્રણેય બેઠકનું અલગ અલગ બિલ્ડીંગમાં 14-14 ટેબલ ગોઠવવામાં આવશે. 21થી 22 રાઉન્ડ સુધી મતગણતરી કરવામાં આવશે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પંડ્યા, એસ એમ.કાથડ, અધિક કલેકટર એન.કે.મૂછાર તેમજ 1200નો કાઉન્ટીગનો સ્ટાફ મતગણતરીમાં જોડાશે. જ્યારે મતગણતરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસપીના માર્ગદર્શન હેઠળ બે ડીવાયએસપી,7 પીઆઇ, 15 પીએસઆઇ સહિતનો સ્ટાફ અને પેરા મિલેટરી ફોર્સ ચુસ્ત બંદોબસ્તમાં જોડાશે.

- text