મોરબીના દુષ્કર્મકાંડનો મુખ્ય આરોપી આશિષ ધરાવે છે ગુનાહિત ઇતિહાસ

- text


આશિષ આદ્રોજા સામે હનીટ્રેપ અને મારામારીના ગુન્હા અગાઉ નોંધાયેલા છે

સીરામીક ટ્રેડીંગનો ધંધો કરતો આશિષ આદ્રોજા અને તેની સાથે કામ કરતા પંકજ પરમાર નશાના પણ આદિ હોવાની ચર્ચા, પોલીસે આરોપીઓના બ્લડ સેમ્પલના રિપોર્ટ પણ કરાવ્યા

મોરબી : મોરબીમાં સભ્ય સમાજને શર્મસાર કરતી દેશના સફાઈ સૈનિક ગણાતા આધેડ વયના મહિલા સફાઈ કર્મચારી ઉપર હેવાનીયતભર્યું દુષ્કર્મ આચરનાર બે આરોપી પૈકી મુખ્ય આરોપી આશિષ આદ્રોજા અગાઉ એક હનીટ્રેપ કેસનો પણ આરોપી હોવાનું બહાર આવ્યું છે. સાથે-સાથે આવારાતત્વ જેવી વૃત્તિ ધરાવતો હોય રાતભર રખડપટ્ટી કરતો આશિષ સીરામીક ટ્રેડીંગનો ધંધો કરતો અને તેની સાથે કામ કરતા પંકજ અને તે બંને નશાના આદિ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જેથી પોલીસે બંને આરોપીઓના બ્લડ સેમ્પલના રિપોર્ટ પણ કરાવી આગળની તપાસ હાથ ધરી છે. તેમજ આ રિપોર્ટ આવ્યા બાદ આ હિન કૃત્ય કરવા સમયે આરોપીઓએ નશો કર્યો હતો કે નહીં તે બહાર આવશે તેમ જણાવ્યું હતું.

મોરબીમાં મહિલા સફાઈ કર્મચારી ઉપર દુષ્કર્મ કેસમાં પોલીસે આ હેવાનીયતભર્યું દુષ્કર્મ કરનાર મોરબીના જ બે સ્થાનિક આરોપીઓ આશિષ હેમંતભાઈ આદ્રોજા (ઉ.વ.29, રહે રવાપર રોડ ગોલ્ડન વિવા મોરબી), પંકજ અશ્વિનભાઈ પરમાર (ઉ.વ.21 રહે રવાપર બોની પાર્ક-મોરબી)ને પકડીને એક દિવસના રિમાન્ડ પર જઈ જરૂરી મેડિકલ તપાસ કરીને કોર્ટના આદેશ મુજબ આ બન્ને આરોપીઓને જેલ હવાલે કર્યા છે.

આ કેસની તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એચ.એ. જાડેજા ચલાવી રહ્યા છે. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ મુખ્ય આરોપી આશિષ આદ્રોજા ધો.9 સુધી ભણેલો છે અને પરિણીત છે તેને બે સંતાનો પણ છે. તેને ધંધો સીરામીક ટ્રેડીંગનો છે. અને સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે તેની સીરામીક ટ્રેડિંગની ઓફીસ પણ આવેલી છે. પણ આ શખ્સ નામનો જ ધંધો કરતો હતો બાકી આવારાતત્વ અને છેલબટાઉ જેવા તેના લક્ષણો હતા. અગાઉ તે હનીટ્રેપ કાંડમાં પકડાયેલો આરોપી છે. તેમજ બે અન્ય મારામારીના ગુન્હા પણ આશિષ વિરુદ્ધ નોંધાયેલા છે. એટલે આ આશિષ ગુનાખોરીના ઈતિહાસની સાથે ગુન્હા આચરવાની ટેવ પણ ધરાવે છે.

- text

જ્યારે બીજો આરોપી પંકજ પરમાર સામાન્ય પરિવારમાંથી આવે છે. તેના પિતા સામાન્ય કડીયા કામની મજૂરી કરે છે. આ પંકજ ધો 10 નાપાસ છે અને અપરણિત છે. એક વર્ષ પહેલાં પંકજ ગેરેજમાં કામ કરતો હતો. પણ તેની બાજુમાં જ રહેતા આશિષ સાથે પરિચયમાં આવ્યા બાદ મિત્રતા થઈ હતી અને તે હાલ આશિષની ઓફીસમાં નોકરી કરે છે. બન્ને સાથે જ કામ કરતા હોય મોડી રાત સુધી હરાયા ઢોરની જેમ રખડપટ્ટી કરતા હોવાની ટેવ ધરાવતા હોવાનું અને બંને નશાના પણ આદિ હોવાનું જાણવા મળ્યું છે. જો કે બનાવના દિવસે બન્ને મોડી રાત્રે નીકળતા ત્યાં સફાઈ કરતી મહિલાને જોઈ જતા આ બન્ને હેવાનોએ મહિલાને હવસનો શિકાર બનાવી હતી. પોલીસે આ જઘન્ય ઘટનામાં સીસીટીવી ફૂટેજના આધારે આશિષની કાર નંબર મળ્યા હતા એની આધારે બન્નેને ઓળખ પુરાવા મળી જતા ઘટનાના બીજા દિવસે પોલીસે બન્ને આરોપીઓને ઉપાડી લીધા હતા.

જો કે આ બન્ને આરોપીઓ આવારાતત્વ હતા તેમજ બંને આરોપીઓ નશાની લત ધરાવતા હોવાની વાત અને અને દુષ્કર્મ સમયે નશો કરેલો હતો કે કેમ ? તે બાબતે પીઆઇએ સ્પષ્ટ કહ્યું છે કે, આરોપીઓની સંપૂર્ણ મેડિકલ તપાસ કરી છે. તેને નશો કર્યો હતો કે કેમ તે માટે તેના બ્લડ સહિતના નમૂના પણ મેડિકલ પરીક્ષણ માટે મોકલાયા છે જેનો રિપોર્ટ આવવાનો બાકી છે. ત્યાં સુધી કાંઈ ન કહી શકાય. બાકી આરોપીઓના આ કેસમાં સખત સજા મળે તેવા પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. અને પોલીસ આ કેસમાં આરોપીઓને કડક સજા થાય તે માટે કોઈ પણ કસર છોડશે નહિ તેમ પોલીસએ અંતમાં જણાવ્યું હતું.

- text