ચૂંટણીના પરિણામો અંગે મોરબીના અગ્રણી ઉદ્યોગકારોનું શું કેહવુ છે ? વાચો..

- text


મોરબી બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી રહેશે : ક્લોક એસોશિએશન પ્રમુખ દંગી 

મોરબી જિલ્લાની ત્રણ અને હળવદ બેઠકમાં ભાજપનો દબદબો રહેશે : સીરામીક અગ્રણીઓ

ગુજરાતમાં 120 બેઠકો સાથે ભાજપ સરકાર બનાવશે : સોલ્ટ એસોશિએશન પ્રમુખ દિલુભા જાડેજા 

મોરબી, ટંકારા, વાંકાનેર અને હળવદ સહિત ચારેય બેઠકો ભાજપ જીતશે : પોલીપેક ઇન્ડસ્ટ્રીઝ એસોશિએશન પ્રમુખ જગદીશ પનારા

મોરબી : મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો ઉપરાંત હળવદ બેઠક ઉપર ભાજપનો દબદબો જળવાઈ રહેશે તેવો મત મોરબી સીરામીક એસોસીએશના આગેવાનોએ વ્યક્ત કરી રાજ્યમાં ભાજપ 125થી 130 બેઠકો સાથે સરકાર રચશે તેવો દાવો મોરબીના વિવિધ ઉદ્યોગકારો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

પ્રથમ તબક્કામાં ઓછા મતદાન છતાં મોરબીના ઉદ્યોગકારો દ્વારા ભાજપની જીત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા અને વિનોદભાઈ ભાડજાના જણાવ્યા મુજબ મોરબી જિલ્લાની મોરબી- માળીયા, ટંકારા – પડધરી અને વાંકાનેર કુવાડવા સહિતની ત્રણેય બેઠકો ઉપરાંત મોરબી સીરામીક ઉધોગના ઉમેદવાર જ્યાંથી ચૂંટણી લડ્યા છે તેવી હળવદ-ધ્રાંગધ્રા બેઠક ઉપર ભાજપને જીત મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

વધુમાં મોરબી ક્લોક એસોશિએશન પ્રમુખ શશાંકભાઈ દંગીએ ગુજરાતમાં 100 ટકા ભાજપની સરકાર રચાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મોરબી બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કસોક્સની લડાઈ હોવાનું જણાવી ગુજરાતમાં ભાજપને 130થી વધુ બેઠક મળશે પરંતુ મોરબી -માળીયા બેઠક માટે પરિણામનું ભવિષ્ય મુશ્કેલ હોવાનું જણાવી આ બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના મત તોડી અણધાર્યા પરિણામ આપે તેમ હોવાનું જણાવ્યું હતું.

- text

જ્યારે મોરબી પેપરમીલ એસોશિએશન પ્રમુખ વિપુલભાઈ પટેલે પણ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ વિજય વાવટા ફરકાવશે તેવું જણાવતા ઉમેર્યું હતું કે આ ચૂંટણીમાં મતદારોનું અકળાવનારું મૌન તમામ રાજકીયપક્ષ માટે ચિંતાનો વિષય બન્યું છે ત્યારે ભાજપને બહુમતી તો મળશે જ પરંતુ આમ આદમી પાર્ટીને કારણે ભાજપ અને કોંગ્રેસના વોટશેરમાં ચોક્કસ પણે ઘટાડો થાય તેમ હોવાનું જણાવ્યું હતું.

મોરબી જિલ્લા પોલીપેક ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ જગદીશભાઈ પનારાના મતે આ વખતે પણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર રચાશે, જો કે ઓપિનિયન પોલ મુજબ 130 બેઠકો મળવાને બદલે ભાજપને 115 જેટલી બેઠકો મળે તેમ હોવાનું જણાવી, મોરબી, ટંકારા, વાંકાનેર અને હળવદ સહિત ચારેય બેઠકો ભાજપ જીતશે અને ચૂંટણી પરિણામોમાં આમ આદમી પાર્ટી અસરકારક પરિબળ સાબિત થાય તેમ હોવાનું પણ તેમને ઉમેર્યું હતું. એ જ રીતે મોરબી સોલ્ટ એસોશિએશન પ્રમુખ દિલુભા જાડેજાએ ચૂંટણી પરિણામો અંગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 120 બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટી સરકાર રચાશે ઉપરાંત મોરબી બેઠક ઉપર કાંતિલાલ અમૃતિયા વિજેતા બનશે તેવું પણ તેમને ઉમેર્યું હતું.

- text