મોરબી જિલ્લા વહીવટી તંત્રને આ ચૂંટણી સવા બે કરોડમાં પડશે 

- text


પ્રત્યેક બુથ દીઠ અંદાજે 22 હજારથી 25 હજાર જેટલો ચૂંટણી ખર્ચ થાય છે : મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોમાં કુલ 905 બુથ 

મોરબી : દર પાંચ વર્ષે આવતી વિધાનસભા ચૂંટણીમાં મતદારોને જાગૃત કરવાથી લઈ મતદાન મથકે ઇવીએમનું બટન દબાવવા આવે અને મત ગણતરી થાય ત્યાં સુધીમાં પ્રત્યેક બુથ દીઠ અંદાજે 22થી 25 હજાર ખર્ચ ચૂંટણી તંત્ર કરે છે તે જોતા મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોમાં સમાવિષ્ઠ કુલ 905 મતદાન મથકો જોતા મોરબી જિલ્લામાં આ વિધાનસભા ચૂંટણી સવા બે કરોડ રૂપિયામાં પડશે.

વિશ્વના સૌથી મોટા આપણા લોકતંત્રમાં લોક પ્રતિનિધિને ચૂંટી કાઢવા માટે લોકશાહી ઢબે ચૂંટણી યોજાય તે માટે સ્વતંત્ર ચૂંટણીપંચ કામગીરી કરે છે હાલમાં યોજાય રહેલી વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં કુલ મળીને 182 વિધાનસભા બેઠકો માટે પ્રથમ તબક્કામાં આગામી તા.1લી ડિસેમ્બર અને બીજા તબક્કામાં 5મી ડિસેમ્બરે મતદાન અને ત્યાર બાદ 8મી ડિસેમ્બરે મતગણતરી બાદ ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થનાર છે ત્યારે લોકશાહીમાં આ ચૂંટણી પાછળ થનાર ખર્ચથી મોટાભાગના લોકો અજાણ હોય છે.

ચૂંટણીપંચના નિયમ મુજબ પ્રત્યેક વિધાનસભા બેઠકમાં સમાવિષ્ઠ મતદાર મંડળમાં મતદાર નજીકના સ્થળે મતદાન કરી શકે તે માટે મતદાન મથક નક્કી કરવામાં આવે છે આ મતદાન મથક દીઠ 1000થી વધુ મતદારોનો સમાવેશ કરવામાં આવે છે. મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોના મતદાન મથકની વિગત જોઈએ તો મોરબી – માળીયા બેઠકમાં 299, ટંકારા – પડધરી બેઠકમાં 300 અને વાંકાનેર – કુવાડવા બેઠકમાં 306 મળી જિલ્લામાં કુલ 905 મથકો આવેલા છે.

- text

ચૂંટણી પ્રક્રિયામાં મતદાર જાગૃતિથી લઈ મતદાનપ્રક્રિયા, મતગણતરી, અને છેલ્લે વિજેતા ઉમેદવારના નામ ગેજેટમાં પ્રસિદ્ધ થાય ત્યાં સુધીની પ્રક્રિયામાં પ્રત્યેક મતદાન મથક દીઠ ચૂંટણીતંત્ર અંદાજે 22 હજારથી લઈ 25 હજાર સુધીનો અંદાજિત ખર્ચ કરે છે જેમાં ઇવીએમમાં ફિટ થતા બેલેટ પેપર, ચૂંટણી ફરજ ઉપરના અધિકારી કર્મચારીના પગાર ભથ્થા, વાહન ખર્ચ, મતદાન મથકમાં ઉભી કરતી સુવિધા, વીડીયોગ્રાફી સહિતનો ખર્ચનો સમાવેશ થાય છે. મોરબીના 905 બુથ જોતા આ વિધાનસભા ચૂંટણીમાં સવા બે કરોડથી વધુનો ખર્ચ થવાની શક્યતા છે. હાલમાં ચૂંટણી તંત્ર દ્વારા કામગીરી મુજબ અંદાજે 90 લાખની ગ્રાન્ટની ફાળવણી પણ કરી દેવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text