મોરબીમાં ત્રિપાંખિયો જંગ જામશે ! ભાજપ-કોંગ્રેસની સાથે આપ પણ ટક્કર આપવા સજ્જ

- text


કોન બનેગા MLA ? વિધાનસભાની ચૂંટણીમાં સ્થાનિક મુદા ઓછા અને જ્ઞાતિનું સમીકરણ સૌથી વધુ અસર કરશે

મોરબી : મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોની વિધાનસભાની ચૂંટણીમાં તમામ ઉમેદવારો જાહેર થઈ ગયા છે અને આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે તમામ ઉમેદવારોએ ફોર્મ પણ ભરી દીધા છે. ત્યારે હવે આ વખતે ભાજપ-કોંગ્રેસની સાથે આપ પણ બેવડા જોશથી ટક્કર આપવા સજ્જ બન્યું હોય મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો પર ત્રીપાંખીયો જંગ ખેલાશે. આમ તો મતદારોનું છેલ્લી ઘડી સુધી તેના મિજાજનું તારણ મેળવવું બહુ કઠિન હોય કઈ બેઠક પર કોનું પલડું ભારે એ કહેવું બહુ મુશ્કેલ છે. પણ ત્રિપાખીયો જંગ હોવાથી ત્રણેય બેઠક પરની ચૂંટણી ભારે ઉતેજના સભર અને દિલધડક બની રહેશે.

મોરબી બેઠક પર બે મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસે જુના જોગીઓને મેદાનમાં ઉતારી દીધા છે. જેમાં ભાજપના બાહુબલી કાનાભાઈ અમૃતિયા અને કોંગ્રેસના જયંતીલાલ પટેલ વચ્ચે પાંચમી વખત ટક્કર થશે. આમ પાંચ વખત જીતવાનો રેકોર્ડ ધરાવતા કાનાભાઈ અને છ વખત હારવાનો રેકોર્ડ ધરાવતા જયંતીલાલને આ વખતે આપના ઉમેદવાર પંકજ રણસરિયાનો પણ સામનો કરવો પડશે. કારણ કે ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે ઉભરતા આપનું આ વખતે લડવાનું જબરદસ્ત વિઝન છે. એટલે આ બેઠક ઉપર ત્રણેય પક્ષના મહારથીઓ વચ્ચે સીધી ટક્કર થશે. આપ કોંગ્રેસને ઇગ્નોર કરીને ભાજપ સામે લડવાનો વ્યૂહ ઘડી ચૂક્યું છે. જ્યારે ભાજપમાં બાહુબલી કાનાભાઈની લોકપ્રિયતા વધુ હોવાથી ભાજપ આ બન્નેને જાણે કીડીની જેમ કચડી નાખે આવા જબરદસ્ત આત્મવિશ્વાસ સાથે સભાઓ ગજવી રહી છે સામે પક્ષે કોંગ્રેસ એમ માંને છે, કે ભાજપે આ આપને ઉભું કર્યું છે કોંગ્રેસ સામે લડવા માટે. પણ એ ભાજપને જ ભારે પડશે અને કોંગ્રેસ માત્ર પરિવર્તન સાથેના સ્થાનિક મુદાઓ સાથે ચૂંટણી લડવા સજ્જ છે. આમ ત્રણેય પક્ષો જીતના દાવા કરીને મોરબી બેઠક કબ્જે કરવાની મથામણ કરી રહ્યા છે.

ટંકારા બેઠક ઉપર આ વખતે ભાજપે નવા ચહેરા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ એમ માને છે કે, ટંકારા બેઠક પર પાટીદારોનું વધારે પ્રભુત્વ છે અને કડવા પાટીદાર ભાજપની વોટ બેન્ક હોય એટલે આ કડવા પાટીદાર ઉમેદવારનું પાનું ચાલી જશે. સામે પક્ષે કોંગ્રેસ ઉમેદવાર અને હાલના ધારાસભ્ય લલિત કગથરા કહે છે કે આ વખતે પાટીદાર ફેક્ટર નહિ પણ કાકાનું ફેક્ટર જ ચાલશે. ( કાકા એટલે પોતે), કાકાએ ટંકારામાં કરેલા કામો બોલે છે. એટલે જીતશે તો કોંગ્રેસ જ એવો દાવો કરે છે. આ બેયની સામે આપના ઉમેદવાર સંજય ભટાસણા પણ પાટીદાર ઉમેદવાર હોય તે પણ ટક્કર આપવા માટે લડાયક મિજાજ ધરાવે છે. આ બેઠક ઉપર પણ આ ત્રણેય ઉમેદવાર વચ્ચે કાંટે કી ટક્કર થશે. કોણ કોને પછડાટ આપે છે એ તો ચૂંટણીના પરિણામો જ બતાવી દેશે. પણ ત્રણેય ઉમેદવારો જેટલી સહજતાથી જીતના દવા કરી રહ્યા છે એટલા ઉચાટ મને ચૂંટણીમાં જીતવું આસાન નથી એવું ઊંડે ઊંડે જરૂર માનતા હશે.

- text

વાંકાનેર બેઠક ઉપર ભાજપે ફરી એક વાર બાહુબલી ગણાતા જીતુ સોમાણીને રિપીટ કર્યા હતા. જો કે અગાઉ તેઓ હારી ચુક્યા છે. પણ નજીવા માર્જિનથી હરેલા હોય એ બેઠક ઉપર તેમનું વર્ચસ્વ હોવાથી તેમના માટે આ ચૂંટણી રાજકીય અસ્તિત્વની લડાઈ બની ગઈ છે. એટલે જીતવા માટે તમામ તાકતો કામે લગાડી છે. સામે પક્ષે કોંગ્રેસના સીટીંગ ધારાસભ્ય મહંમદ જાવીદ પીરજાદાનું પણ મજબૂત પાસું છે, વાંકાનેરમાં મુસ્લિમ મતદારો વધુ હોવાથી આ જ્ઞાતિના સમીકરણોનો તેમને અગાઉની ત્રણ ચૂંટણીમાં ફાયદો થયો છે. આ વખતે પણ તેઓ સબળ નેતા તરીકે કામ કરતા હોય વાંકાનેરની આ બેઠક પણ ભાજપ કોંગ્રેસ વચ્ચે રસાકસીભરી ટક્કર થશે. જો કે સાથેસાથે આપના ઉમેદવાર વિક્રમ સોરાણી પણ લડાયક મૂડમાં છે. વાંકાનેરમાં કોળી મતદારોનું પ્રભુત્વ પણ વધુ છે. એટલે અગાઉ કોળી સમાજે ભાજપ પાસે ટીકીટ માંગી હતી. પણ ટીકીટ ન મળતા આ સમાજમાં નારાજગી છે. એટલે આ નારાજગીનો સીધો ફાયદો આપના ઉમેદવાર કોળી સમાજના હોવાથી તેમને થશે એવું મનાય છે.

પ્રજાની અપેક્ષા ફળીભૂત થશે કે રાજકીય કાવાદાવાની કારી ફાવી જશે ?

દરેક ચૂંટણીમાં આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ કે ચૂંટણી શામ દામ દંડ ભેદની નીતિઓના આધારે જ ખેલાઈ છે તેથી આ વખતે પ્રજાની અપક્ષાઓ ફળીભૂત થશે કે રાજકીય કાવાદાવાની કારી ફાવી જશે ? તેવો વેધક સવાલ ઉઠ્યો છે. જો કે મોરબી જિલ્લાની પ્રજાની ઘણી બધી અપેક્ષાઓ છે જેમ કે, મોરબીમાં ઓવરબ્રિજ, લાંબા અંતરની ટ્રેનો, સીરામીક ઉધોગના ગેસ સહિતના પ્રશ્નો, ઈન્ફાસ્કચર, સાથેસાથે સારા બાગ બગીચા, લાઈટ, પાણી, ગટર, સફાઈ જેવી મૂળભૂત સમસ્યાઓ, સમગ્ર લાતીપલોટનું ડેવલપમેન્ટ આ બધા પ્રશ્નો વર્ષોથી ઠેરના ઠેર જ રહ્યા છે. જો નેતાગીરીએ ઇચ્છયું હોત આજે મોરબી મહાનગરપાલિકા હોત અને એક મેગાસિટીથી કમ ન હોત પણ કમનસીબે કરોડોનું હુડીયામણ રલી આપતું મોરબી નબળી નેતાગીરીને કારણે હજુ વિકાસના દાયકાઓ પાછળ રહી ગયું છે. એટલે આ ચૂંટણીમાં સ્થાનિક મુદા ઓછા અને જ્ઞાતિનું સમીકરણ મોટો ભાગ ભજવશે.

- text