ઝૂલતાપૂલની દુર્ઘટના રૂપી કાળે સામાન્ય પરિવારના ત્રણે ત્રણ પુત્રોને છીનવી લીધા 

- text


સામાન્ય મજૂરી કામ કરતા પરિવારને સંતાનોમાં ત્રણ પુત્રો જ હોય અને આ ત્રણેય પુત્રોના મોત થતા માવતર નોંધારા થયા

મોરબી : મોરબીની કાળજું કંપાવી દેનારી ગોઝારી ઝૂલતાપૂલ તૂટવાની ભયાનકતા એટલી બિહામણી છે કે કઈ કેટલાય પરિવારને મોતની આગોશમાં સમાવી લીધા હતા. જેમાં સૌથી મોટી કરુણ ઘટના એ છે કે મોરબીના એક સાવ સામાન્ય મજૂરી કામ કરતા પરિવારના ત્રણે ત્રણ પુત્રોને ઝૂલતાપૂલની દુર્ઘટના રૂપી કાળે છીનવી લેતા કંપારી છૂટી જાય તેવા કરુણાસભર દ્રશ્યો સર્જતાં આસપાસના લોકોના હૈયા હચમચી ઉઠ્યા હતા અને એકીસાથે ત્રણ પુત્રોની અર્થી ઉઠતા આખો વિસ્તાર સ્તબ્ધ બની ગયો હતો.

- text

મોરબીના સામાંકાંઠે નઝરબાગ રેલવે સ્ટેશન પાછળ ગાંધી સોસાયટીની બાજુમાં આવેલ બૌદ્ધનગરમાં રહેતા અને સામાન્ય મજૂરી કામ કરીને પેટીયું રળતા રાજેશભાઇ મૂછડિયાના ત્રણ પુત્રો ચિરાગભાઈ રાજેશભાઇ મૂછડિયા ઉ.વ.20, ધાર્મિક રાજેશભાઈ મૂછડિયા ઉ.વ.18, ચેતન રાજેશભાઇ મૂછડિયા ઉ.વ.16 એમ આ ત્રણેયને જાણે એકીસાથે મોત બોલાવતું હોય તેમ ત્રણેય સગા ભાઈઓ ગઈકાલે સાંજેઝૂલતાપૂલ ઉપર ફરવા ગયા હતા. ત્યારે આ પુલ અચાનક તૂટી પડતા ત્રણેય ભાઈઓ એકીસાથે નીચે નદીમાં ખબકયા હતા અને ત્રણેય ભાઈઓના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. આ બાજુ ઘરે પુત્રો મોડે ઘરે ન આવતા અને પુલ તૂટ્યાની જાણ થતાં તેના માતાપિતા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને રાત્રે 11 વાગ્યાની આસપાસ મચ્છુ નદીમાંથી વારાફરતી ત્રણેય પુત્રોની લાશ હાથ લાગતા જ માતા-પિતાએ હૈયાફાટ આક્રંદ કરી મૂક્યું હતું. જો કે મોટા બે પુત્રો ચિરાગ અને ધાર્મિક ઇલેક્ટ્રિકનું કામ હજુ શીખીને પગભર થવાની મહેનત કરતા હતા.જ્યારે સૌથી નાનો પુત્ર ચેતન ધો.10માં ભણતો હતો. આ ત્રણેય પુત્રોના ઉજ્જવળ ભવિષ્યના સ્વપ્ન જોતા માતાપિતાને ત્રણેય પુત્રોના મોત જીરવી ન શકાય તેવો કારમો આઘાત લાગ્યો છે. કારણ કે આ સામાન્ય પરિવારને સંતાનમાં માત્ર ત્રણ જ પુત્રો હતા. એ પુત્રો પણ આ કાળ રૂપી દુર્ઘટનાએ છીનવી લેતા જાણે કુદરતે પોતાનું સર્વસ્વ લૂંટી લીધું હોય તેવી અણધારી આફતમાં આ પરિવાર મુકાય ગયો હતો.

- text