હળવદ ફાયરિંગ પ્રકરણમાં પોલીસ ફરિયાદી બની, સાત વિરુદ્ધ ગુન્હો દાખલ

- text


ફટાકડા સ્ટોલ મામલે પંકજ ગોઠીએ દેશી બંદૂકમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યાનું ખુલ્યું

હળવદ : હળવદ શહેરના સરા નાકે ગઈકાલે રાત્રીના સમયે ફટાકડાના સ્ટોલ મામલે બે બળિયા જૂથ વચ્ચે થયેલી માથાકૂટમા સરાજાહેર ફાયરિંગ થતા આ મામલે ખુદ પોલીસ ફરિયાદી બની છે અને ફાયરિંગ કરનાર પંકજ ગોઠી સહિતના સાત શકશો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ સરા ચોકડી નજીક રવિવારે રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં ફટાકડા સ્ટોલ મામલે બે જૂથ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી જેમાં પંકજ ગોઠી અને તેની ટોળકી અને સામે પક્ષે દિલીપસિંહ જયુભા ઝાલા અને સિદ્ધરાજસિંહ ગેલુભા ઝાલાના જૂથ વચ્ચે પ્રાણઘાતક હથિયાર સાથે સશસ્ત્ર મારામારી થઈ હતી.

બીજી તરફ ટ્રાફિકથી ધમધમતા સરા ચોકડી વિસ્તારમાં સરાજાહેર મારામારી અને ત્યાર બાદ સરાજાહેર ફાયરિંગ કરવામાં આવ્યા હોવાની જાણ પોલીસને થતા હળવદ પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યાં તપાસ કરતા પ્રાથમિક તપાસમાં જ બે રાઉન્ડ ફાયરિંગ થયાનું સામે આવ્યું હતું.

હળવદમા ચકચાર જગાવનાર ફાયરિંગની આ ઘટનામાં હળવદ પીએસઆઇ કિરતસિંહ નટવરસિંહ જેઠવા ખુદ ફરિયાદી બન્યા છે અને સરાજાહેર બખેડો કરી ફાયરિંગ મામલે પંકજ ચમનભાઈ ગોઠી, ધર્મેન્દ્ર ઉર્ફે ધમો ચમન ગોઠી, મેહુલ રમણિક ગોઠી, મેરો ઉર્ફે મેરિયો પ્રેમજીભાઈ દલવાડી, ગૌતમ ઉર્ફે ગોવલો જયંતીભાઈ ગોઠી, દિલીપસિંહ જયુભા ઝાલા અને સિદ્ધરાજસિંહ ગેલુભા ઝાલા વિરુદ્ધ આઇપીસી કલમ 307, 308, 143, 144, 147, 148, 160 અને જીપી એકટ 135 તેમજ આર્મ્સ એકટ મુજબ ગુન્હો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

- text

દરમિયાન આ બઘડાટી પ્રકરણમાં હળવદના પંકજ ગોઠી નામના શખ્સે એસયુવી કારમાં આવી ગેકાયદેસર દેશી બનાવટના હથિયારથી બે રાઉન્ડ ફાયર કર્યા હોવાનું જેમાંથી એક ફાયરિંગ બાદ કારતુસનું ખાલી ખોખું અને એક મિસ ફાયર થયેલ કારતુસ ઘટના સ્થળેથી મળી આવ્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર કરાયુ છે.

- text