વાંકાનેર વિધાનસભા બેઠક પર કોળી ઉમેદવારને મેદાને ઉતારતી આમ આદમી પાર્ટી

- text


આમ આદમી પાર્ટી દ્વારા વાંકાનેર બેઠક પર ઉમેદવાર તરીકે યુવા કોળી આગેવાન વિક્રમભાઈ સોરણીના નામની જાહેરાત કરી

મોરબી : આમ આદમી પાર્ટી આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ગંભીરતાથી આગળ વધી રહી છે. કેજરીવાલ પણ સમયાંતરે ગુજરાતનો પ્રવાસ કરી “આપ”ને ગુજરાતમાં વધુ મજબૂત બનાવવા મેહનત કરી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લાની વાંકાનેર વિધાનસભા બેઠક માટે આપ દ્વારા અત્યારથી જ તેના ઉમેદવારની જાહેરાત કરી યુવા કોળી આગેવાનને ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા છે.

આમ આદમી પાર્ટી દ્વારા આજે ગુજરાતની કુલ 9 બેઠકો માટે પોતાના ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરી હતી. જેમાં વાંકાનેર – કુવાડવા બેઠક પર યુવા કોળી આગેવાન વિક્રમભાઈ સોરણીને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વિક્રમભાઈ સોરણી અંગે મોરબી આમ આદમી પાર્ટી આપેલી વિગત મુજબ વિક્રમભાઈ સોરાણી સામાન્ય પરીવાર માંથી આવે છે. વિક્રમભાઈ નાની ઉંમરથી સામાજી સેવા કરતાં આવ્યા છે. ગયા વર્ષે તેમના દ્વારા 555 સર્વ જ્ઞાતિ દીકરીના સમૂહ લગનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિક્રમભાઈ સોરાણી માત્ર 26 વર્ષની ઉંમરે ગુજરાત રાજ્યના કોળી સમાજના પ્રમુખ બન્યા હતા.

- text

વાંકાનેર બેઠક પર મુસ્લિમ અને કોળી મતદારોનું પ્રભુત્વ છે. જોકે આ બેઠક પર વર્ષોથી કોંગ્રેસના ઉમેદવાર પીરઝાદા જીતતા આવ્યા છે. આ વખતે વાંકાનેર ભાજપમાં જીતુ સોમાણી અને મોહન કુંડારિયાના જૂથ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આપ દ્વારા વાંકાનેર બેઠક પર યુવા કોળી આગેવાનને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે તેની કેવી અસર જોવા મળશે તેના પર સૌની નજર મંડાયેલી છે.

- text