પાલિકાને ફાયદો : વાંકાનેર લોકમેળા ગ્રાઉન્ડના 11.55 ઉપજ્યા

- text


પાલિકાના સત્તાધીશોએ માત્ર 2.55 લાખમાં ગ્રાઉન્ડ આપવા કરેલો ઠરાવ રદ

વાંકાનેર (ભાટી એન.) : વાંકાનેર શહેરના નાગા બાવાની જગ્યામાં યોજાતા પરંપરાગત લોકમેળાએ આ વખતે મેળા પૂર્વે જ નગરપાલિકાને લાખોનો ફાયદો કરાવવાનો વિક્રમ સર્જ્યો છે. દર વર્ષે પાલિકાના સત્તાધીશો દ્વારા બેઠા થાળે હરરાજી કરવામાં આવતી હતી અને મફતના ભાવે મેળાનું ગ્રાઉન્ડ ભાડે આપવામાં આવતું હતું પરંતુ શાસક બોડી સુપરસીડ થતા જાહેર હરરાજીમાં 11.55 લાખની ઉંચી બોલી બોલનાર આસામીને આ ગ્રાઉન્ડ ભાડે આપવામાં આવ્યું હતું.

દર વર્ષે વાંકાનેરના નાગા બાવાની જગ્યાના ગ્રાઉન્ડમાં સાતમથી લઈ અગિયારસ સુધી પાંચ દિવસીય મેળો યોજવામાં આવે છે જેમાં દર વર્ષે પાલિકાના સત્તાધીશો બેઠા થાળે માત્ર નજીવી રકમમાં ગ્રાઉન્ડ ભેટ ધરતું હતું અને આ વર્ષે પણ માત્ર 2.55 લાખમાં ગ્રાઉન્ડ ભાડે આપવા ઠરાવ કરવામાં આવ્યો હતો. પરંતુ પાલિકા સુપરસીડ થતા આ ઠરાવ રદ કરી વહીવટદાર એવા મામલતદાર દ્વારા મેળા ગ્રાઉન્ડની જાહેર હરરાજી કરવા નિર્ણય કર્યો હતો.

- text

વધુમાં તા.10 ઓગસ્ટના રોજ મેળા ગ્રાઉન્ડની હરરાજી કરવા શહેરમાં માઇક સાથેની રીક્ષા ફેરવતા અનેક લોકો ઉત્સાહભેર હરરાજીમાં ભાગ લેવા આવી પહોંચ્યા હતા અને વાંકાનેરના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત રૂ.2.55 લાખની અપસેટ પ્રાઇસથી હરરાજી શરૂ કરી રૂપિયા 11.55 લાખની બોલી બોલનાર જનકસિંહ પ્રવિણસિંહ ઝાલાને મેળા ગ્રાઉન્ડ ભાડે આપવામાં આવ્યું હતું.

- text