જીતુભાઈ સોમણીને ઝટકો : અંતે વાંકાનેર નગરપાલિકા સુપડસીડ

- text


જૂન મહિનામાં સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા નોટિસ ફટકારાયા બાદ અંતે ધાર્યું ધણીનું થયું, હવે વહીવટદાર રાજ

વાંકાનેર : વાંકાનેરના ભાજપ અગ્રણી જીતુભાઇ સોમણી અને મોરબીના રાજકીય આકા વચ્ચે ચાલતા ગજગ્રાહમાં અંતે વાંકાનેર નગરપાલિકા સુપરસીડ કરવા શહેરી વિકાસ વિભાગે આદેશ કરતા જનતાના લોકશાહી ચુકાદાનો છેદ ઉડી ગયો છે. હવે વાંકાનેર પાલિકામાં વહીવટદાર રાજ શરૂ થશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ગઢ સમાન વાંકનેર નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી પરંતુ જિલ્લા ભાજપ અને ભાજપ અગ્રણીઓ દ્વારા પ્રમુખ પદને લઈ ચૂંટાયેલા સભ્યોના નિર્ણય વિરુદ્ધ પ્રમુખ જાહેર કરતા વિવાદના મૂળિયાં નંખાયા હતા અને ભાજપ અગ્રણી જીતુભાઇ સોમણીના સીધા કે આડકતરા સમર્થન સાથે બળવો કરી ભાજપના જ સભ્યોએ સંગઠનના આદેશથી વિમુખ થઈ સતાનું સુકાન સાંભળ્યું હતું.

દરમિયાન વાંકાનેર નગરપાલિકામાં સતાની સાઠમારી અહમનો મુદ્દો બનતા રાજકીય કાવાદાવા શરૂ થયા હતા અને ગત જૂન માસમાં પ્રવર્તમાન બોડીને ઉથલાવવા માટેના પ્રયત્નોમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા નગરપાલિકા સુપરસીડ કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી.

- text

દરમિયાન ગઈકાલે મોડી રાત્રે વાંકાનેર નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર ઝાલા દ્વારા શહેરી વિકાસ વિભાગ ગાંધીનગરના આદેશ હેઠળ વાંકાનેર નગરપાલિકાને સુપરસીડ કરી પ્રમુખ સહિતનાઓની ચેમ્બર સીલ કરી પાલિકાનું સાહિત્ય કબ્જે લેવામાં આવ્યું હતું. હવે નિયમ મુજબ સરકાર દ્વારા વહીવટદારની નિમણૂક કરી નિયમોનુસાર નવેસરથી ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવશે.

જો કે, રાજકીય અહમન કારણે સુપરસીડ બાદ સીલ થયેલી વાંકાનેર પાલિકાના મતદારોમાં એક જ સવાલ છે કે અમારા મતનું મૂલ્ય શુ ? રાજકીય ઝઘડામાં એક જ વર્ષની અંદર નવે સરથી ચૂંટણી આવશે અને પ્રજાના પૈસા વેડફી નવી ચૂંટણી યોજાશે અને ફરી ખટરાગ થશે તો ફરી વહીવટદાર, ફરી ચૂંટણી ? આ કેટલે અંશે વ્યાજબી ?

- text