હાડમારીનો અંત ટુક સમયમાં ! મોરબી – હળવદ અને મોરબી જેતપર રોડના ટેન્ડર ખુલ્યા

- text


હળવદ મોરબી વચ્ચે અંદાજીત 170 કરોડના ખર્ચે અને જેતપર રોડ 114 કરોડના ખર્ચે ફોરલેન બનશે

મોરબી : મોરબી જિલ્લાની ધોરી નસ સમાન ટ્રાફિકથી ધમધમતા મોરબી હળવદ અને મોરબી જેતપર વચ્ચેના બિસ્માર રોડનો અંત ટૂંક સમયમાં આવશે. આ બન્ને રોડને ફોરલેન બનાવવાના પ્રોજેકટ અંતર્ગત ગઈકાલે ટેન્ડર ખુલી ગયા હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ હેવી ટ્રાફિકથી સદાય ધમધમતા રહેતા મોરબી – હળવદ રોડ ઉપર મસ મોટા ગાબડા પડી જતા હાલમાં વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ બન્યું છે. એ જ રીતે મોરબીથી જેતપરને જોડતો ઔદ્યોગિક માર્ગ પણ અકસ્માત ઝોન બન્યો હોય સરકાર દ્વારા આ બન્ને માર્ગને ફોરલેન કરવા મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. જે અન્વયે મોરબી આરએન્ડબી એટલે કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તમામ કામગીરી પૂર્ણ કરી લેવાતા ગઈકાલે બન્ને ફોરલેન રોડ પ્રોજેકટ ટેન્ડર ખુલ્યા હતા.

વધુમાં મોરબી – હળવદ ચાર માર્ગીય પ્રોજેકટ અંતર્ગત કુલ 170 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે જે અન્વયે મોરબી હળવદ વચ્ચે આવતા રોડની બન્ને તરફ વસવાટ ધરાવતા ગામો માટે ખાસ ઓવરબ્રિજ બનવવામાં આવશે તેમજ ચરાડવા ગામે બાયપાસ કાઢી એક્સપ્રેસ વે જેવો રસ્તો બનાવવામાં આવશે.

- text

એ જ રીતે મોરબીના સિરામીક ઉદ્યોગ માટે મહત્વના એવા મોરબી જેતપર રોડ માટે સરકાર દ્વારા રૂપિયા 114 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે જે અન્વયે આ માર્ગને પણ મજબૂત અને ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે ઓવરબ્રિજ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ટ્રાફિક જંકશન બનાવવામાં આવનાર હોવાનું મોરબી માર્ગ અને મકાન વિભાગના નાયબ ઈજનેર હિતેશભાઈ આદ્રોજાએ જણાવ્યું હતું.

દરમિયાન મોરબી – હળવદ અને મોરબી – જેતપર ચાર માર્ગીય પ્રોજેકટ માટે ટેન્ડર ખુલ્લી જતા હવે ફાઇનલ પ્રક્રિયા બાદ સત્વરે કામગીરી ચાલુ કરવામાં આવનાર હોવાનું પણ માર્ગ અને મકાન વિભાગના નાયબ ઈજનેર હિતેશભાઈ આદ્રોજાએ અંતમાં જણાવ્યું હતું.

- text