પ્રધાનમંત્રી આવાસ યોજના તળે ડુંગરપુર ગામના ગરીબોનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું

- text


ઘરનું ઘર હોવાનું સપનું મે જોયુ, પણ તે સાકાર કર્યુ પ્રધાનમંત્રી આવાસ યોજનાએ – રણજીતભાઇ વિઠલાપરા

હળવદ : કહેવાય છે કે, કુંજમાં વસે નિકુંજ પણ કુંજ જ ન હોય તો ? આવાસ જ ન હોય તો પરિવાર કયાં જઇને વસે ? જે લોકો સમર્થ નથી ઘરનું ઘર બનાવવા માટે તેમણે શું આવાસ વિના જ ચલાવવું ? ના તેમના માટે છે ને પ્રધાનમંત્રી આવાસ યોજના, જે ગરીબો માટે ઘરનું ઘર બનાવવાનું સ્વપ્ન સાકાર કરે છે. આ યોજના થકી ડુંગરપુર ગામના ગરીબ લોકોને ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરનું ઘર મેળવવાની ખુશાલી વ્યકત કરતા હળવદ તાલુકાના ડુંગરપુર ગામના વતની રણજીતભાઇ લાખાભાઇ વિઠલાપરા જણાવે છે કે, અમારી પાસે રહેવા માટે કાચું મકાન હતું, જેથી અમારી પરિસ્થિતિ ખુબ ખરાબ હતી. ચોમાસામાં પાણી ટપકે, બાળકોને ભણાવવામાં મુશ્કેલી થાય, શિયાળામાં ઠંડી તો ઉનાળામાં તડકોને ગરમી, ઉપરાંત જીવ-જંતુનો પણ ભય રહેતો. પૈસા તો હતા જ નહિ કે ઘર બનાવું ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મને લાભ મળ્યો.

- text

મકાન બાંધવા મને ૧,૨૦,૦૦૦ની સહાય મળી. ઉપરાંત મારા જ મકાનમાં કામ કરવાની મજુરી પેટે મને ૧૭૫૦૦ સરકારે ચુકવ્યા તેમજ શૌચાલય માટે પણ ૧૨૦૦૦ ની સરકારે સહાય આપી. આમ, કુલ દોઢ લાખથી વધુ ની સહાય મને મળી. ઘરનું ઘર હોવાનું સપનું મે ખુલ્લી આંખે જોયું અને એ સપનું સાકાર કર્યું પ્રધાનમંત્રી આવાસ યોજનાએ.

વધુમાં તેઓ જણાવે છે કે, આજે ઘરનું ઘર સરકારના સહકારથી મળી ગયુ ત્યારે હું અને મારો પરિવાર ખુશ છીએ. આવાસ મળતા અમારી બધી સમસ્યાઓનો અંત આવ્યો છે. જેથી અમે ભારત સરકાર તેમજ મુખ્યમંત્રીનો આભાર માનીએ છીએ.

પ્રધાનમંત્રી આવાસ યોજના આવા અનેક ઘરવિહોણા પરિવારો માટેની છત બની છે. આ યોજનામાં ઘર માટે તો ૧,૨૦,૦૦૦ની સહાય આપવામાં આવે છે ઉપરાંત અન્ય યોજનાને સાથે જોડીને પોતાના ઘર નિમાર્ણમાં કામ કરવાની મજુરી તેમજ શૌચાલય નિર્માણ પેટે પણ રકમ ચુકવવામાં આવે છે. આમ ગરીબોને પણ સુવિધાસભર ઘરનું ઘર મળી રહે તે તરફનું સર્વોત્તમ પગલુ છે પ્રધાનમંત્રી અવાસ યોજના.

- text