હળવદમાં ચોરીની હેટ્રિક નોંધાવતા તસ્કરો

- text


સવા લાખની કિંમતનું એલ્યુમિનિયમ સેક્સન, બોલેરો ઉપાડી જવાની સાથે નવા માલણીયાદમાં સોનાના દાગીના ચોરાયા : શકમંદો ને ઉપાડી લેતી પોલીસ

હળવદ : હળવદ પંથકને તસ્કરો, લુખ્ખાઓ અને ગઠીયાઓએ બાનમાં લીધું હોય એમ બેફામ ચોરીના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. જેમાં ગઈકાલે તસ્કરોએ ચોરીની હેટ્રિક નોંધાવી, સવા લાખ રૂપિયાના એલ્યુમિનિયમ સેક્સનની ચોરી કરવાની સાથે બોલેરો કાર હંકારી જવા ઉપરાંત નવા માલણીયાદ ગામે સોનાના દાગીના ચોરી ગયાનું સામે આવ્યું છે. બીજી તરફ હળવદ પોલીસે ચોરીની ઘટનામાં કેટલાક શકમંદોને ઉપાડી લીધા હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

હળવદ પંથકમાં ચોરીની હેટ્રિક અંગેની વિગતો જોઈએ તો પ્રથમ બનાવમાં ગતરાત્રીના વસંત પાર્ક જવાના રસ્તેથી મિહિરભાઈ દિલીપભાઈ રાવલની માલિકીની એચ.ડી.એલ્યુમનીયમ નામની દુકાનના શટર ઉંચકાવી એલ્યુમિનિયમની હેવી બારી તેમજ ભંગાર ભરેલા કોથળા સહિત કુલ રૂપિયા સવા લાખની માલમતાની ચોરી કરી જતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી છે.

જયારે બીજી ઘટનામાં હળવદમાં રહેતા શિવ એગ્રોના માલિક રાજુભાઇની માલિકીના વંડા બોલેરો પિક અપ વાહન પાર્ક થયેલી હોય મોઢે બુકાની બાંધીને આવેલા ગઠિયાએ વંડામાં ઘૂસે બોલેરો હંકારી જતો રહ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ગઈકાલે ધોળે દિવસે બનેલી આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે.

આ ઉપરાંત ત્રીજી ઘટનામાં હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા જેરામભાઈ મગનભાઈ સુરેલાના ઘરમાં ઘુસી તસ્કરોએ તિજોરી તોડી સોનાના દાગીના ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું છે.

દરમિયાન હળવદ પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી હોવાનું અને ચોરીની ઘટનામાં સંડોવાયેલ હોવાનું મનાતા કેટલાક શકમંદોને ઉપાડી લેવામાં આવ્યા હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

- text

- text