મોરબીના સીએની જમીન હડપ થઈ જતા લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ

- text


હળવદના ચાડધ્રા ગામના સરપંચ પતિએ વાવવા રાખેલી જમીન ખાલી નહીં કરી ઉલટું સીએને જાનથી પતાવી દેવા ધમકી આપી કબ્જો કરી લીધો

હળવદ : મોરબીમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે પ્રેક્ટીસ કરતા અને હળવદ રાણેકપર રોડ ઉપર રહેતા પ્રતિષ્ઠિત વ્યક્તિની ચાડધ્રા ખાતે આવેલ પૈતૃક જમીન વાવવા રાખ્યા બાદ મહિલા સરપંચના પતિ અને તેમના ભાઈએ જમીન ઉપર કબ્જો કરી લઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પોતાની જમીન ઉપર જતા અટકાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા બન્ને આરોપીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.

હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ હળવદના રામવીલા બંગ્લોઝ, રાણેકપર રોડ ખાતે રહેતા અને મોરબી ખાતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે પ્રેક્ટિસ કરતા મુળ .ચાડધ્રા ગામના વતની ભગીરથદાન પરબતસંગ ટાપરીયાની ચાડધ્રા ગામે સર્વ નં. ૩૭૪/૨ની પૈતૃક જમીન હે.આર.ચો.મી.૦-૫૪-૬૩ આવેલી છે. વર્ષ 2012ના અરસામાં આ જમીન તેઓએ પોતે અભ્યાસ કરતા હોય ચાડધ્રા ગામના જગદિશભાઈ કશુભાઈ ગઢવી અને બટુકભાઈ કશુભાઈ ગઢવીને વાવવા માટે આપી હતી ત્યાર બાદ આ જમીન ખાલી કરવા જણાવતા બન્ને ઈસમોએ જમીન ખાલી કરવાને બદલે કબ્જો જમાવી હવે પછી આ જમીન ઉપર નહીં આવવા ધમકી આપી હતી.

- text

દરમિયાન સીએ ભગીરથદાન પરબતસંગ ટાપરીયાએ પોતાને વારસામાં મળેલી જમીન ઉપર કબ્જો થઇ જતા આ જમીન પચાવી પાડનારા જગદિશભાઈ કશુભાઈ ગઢવી અને બટુકભાઈ કશુભાઈ ગઢવીને જમીન ખાલી કરી આપવા વિનંતી કરવા છતાં બન્નેએ જાનથી મારી નાખવા ધમકી આપતા આ મામલે જિલ્લા કલેકટર મોરબી સમક્ષ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પગલાં ભરવા અરજી કરતા કમિટી દ્વારા અરજી ગ્રાહ્ય રખાતા ગઈકાલે બન્ને આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩,૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુન્હો દાખલ થયો છે. ઉલ્લેખનીય છે કે આરોપી જગદિશભાઈ કશુભાઈ ગઢવી ચાડધ્રા ગામના મહિલા સરપંચના પતિ હોવાનું જાણવા મળે છે.

- text