મોરબીમાં પ્રતિબંધિત પેટકોક વાપરાતા સિરામીક એકમો ઉપર પ્રદુષણ નિયંત્રણ બોર્ડની તવાઈ

- text


સરતાનપર રોડ ઉપર બે સિરામીક એકમોમાં પેટકોકનો વપરાશ રંગે હાથ પકડી લઈ કડક કાર્યવાહી : ગાંધીનગર રિપોર્ટ

મોરબી : વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામીક ક્લસ્ટર મોરબીમાં પ્રદુષણ મામલે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા કડક પગલાં ભરી કોલગેસ પ્લાન્ટ બંધ કરવાયા બાદ હવે કેટલાક સિરામીક એકમોમાં પ્રતિબંધિત અને અતિ પ્રદુષણ ફેલાવતા પેટકોકનો વપરાશ ચાલુ કરવામાં આવ્યો હોવાનું મોરબી પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીના ધ્યાને આવતા પ્રાદેશિક અધિકારી દ્વારા સપાટો બોલાવી સરતાનપર રોડ ઉપર આવેલ બે એકમો સામે પર્યાવરણ કાયદા અન્વયે કડક કાર્યવાહી કરી ગાંધીનગર રિપોર્ટ કરવામાં આવ્યો છે. સાથો-સાથ આ બન્ને એકમો વિરુદ્ધ ફોજદારી પગલાં લેવા પણ તજવીજ શરૂ થઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લામાં 1000 જેટલા સિરામીક એકમો આવેલા છે અને આ સિરામીક એકમોમાં અગાઉ કોલગેસ પ્લાન્ટથી કિલન ચલાવવામાં આવતી હોય ભયંકર હદે પ્રદુષણ ફેલાતું હોવાનું ધ્યાને આવતા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરી દ્વારા એક જ ઝાટકે તમામ કોલગેસ પ્લાન્ટ તાકીદે બંધ કરાવી દંડનીય કાર્યવાહી કરી હતી. આટલું ઓછું હોય તેવામાં મોરબીના કેટલાક સિરામીક એકમો દ્વારા ઇંધણ તરીકે પેટકોક વાપરવાનું શરૂ કર્યું હોવાનું મોરબી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીના પ્રાદેશિક અધિકારીના ધ્યાને આવ્યું હતું.

- text

દરમિયાન આ પેટકોકના વપરાશ અંગે મોરબી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીના પ્રાદેશિક અધિકારી કે.બી.વાઘેલાએ જણાવ્યું હતું કે, સીરામીક એકમોમાં પેટકોક વપરાતો હોવાનું ધ્યાને આવતા સઘન ચેકીંગ હાથ ધરાયુ હતું જેમાં સરતાનપર રોડ ઉપર જીપીસીબીના ચેકીંગ દરમિયાન સિલિકોન સીરામીક અને સેમસન સિરામીક ફેકટરીમાં બળતણ તરીકે પેટકોક વપરાતો હોવાનું સામે આવતા બન્ને એકમો વિરુદ્ધ પર્યાવરણીય કાયદા અન્વયે કડક કાનૂની કાર્યવાહી કરી ગાંધીનગર વડી કચેરી ખાતે ધગધગતો રિપોર્ટ કરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં ફોજદારી રાહે પણ બન્ને ફેકટરીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું.

વધુમાં પ્રાદેશિક અધિકારી કે.બી.વાઘેલાએ મોરબીના તમામ સિરામીક ઉદ્યોગોને પર્યાવરણ માટે ખતરારૂપ પેટકોકનો બળતણ તરીકે વપરાશ નહીં કરવા અનુરોધ સાથે તાકીદ કરી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરી દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવી જો કોઈપણ સીરામીક ફેકટરીમાં પેટકોકનો વપરાશ થતો હોવાનું જણાશે તો કડકમાં કડક પગલાં ભરવામાં આવશે તેવું પ્રાદેશિક અધિકારી કે.બી.વાઘેલાએ અંતમાં જણાવ્યું હતું.

બીજી તરફ પર્યાવરણ માટે ખતરારૂપ પેટકોકનાં વપરાશ અંગે મોરબી સીરામીક એસોસીએશનના અગ્રણીઓનો સંપર્ક કરતા તેઓએ પણ પેટકોકનો વપરાશ કોઈપણ સંજોગોમાં થવો ન જોઈએ તેમ જણાવી પેટકોકનાં વપરાશ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text