મોરબીના વજેપરમાં રૂપિયા 16 કરોડમાં જમીનનો સોદો કરી ઠગાઈ

- text


મૂળ હરિપર કેરાળા ગામના પટેલ વૃદ્ધ સાથે દલાલ ટોળકીએ બોગસ જમીન માલિક રજૂ કરી બુદ્ધિપૂર્વક છેતરપિંડી કરી

મોરબી : મોરબીના વજેપરમાં આવેલી કિંમતી જમીનના ખોટા માલિક ઉભા કરી બોગસ આધારકાર્ડ રજૂ કરી જમીન દલાલ ટોળકીએ મૂળ હરિપર કેરાળા ગામના વૃદ્ધ પટેલ સાથે 16 કરોડમાં જમીનનો સોદો કરી બદલામાં રૂપિયા સાડા ત્રણ કરોડ હડપ કરી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ જમીન કૌભાંડમાં જમીન વેચનાર પાર્ટી બોગસ હોવાની જાણ થતાં જમીનનો સોદો કરનાર પટેલ વૃદ્ધે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં જમીન દલાલ અને બોગસ માલિકો સહિત કુલ આઠ કૌભાંડિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ ચકચારી બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના આલાપ રોડ ઉપર શિવાલીક એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ હરિપર કેરાળા ગામના ભગવાનજીભાઇ ખીમજીભાઇ દેત્રોજા, ઉ.65 નામના વૃદ્ધે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં જમીન મકાનના દલાલ અંબારામભાઇ ડાયાભાઇ પટેલ, અશોકભાઇ દામજીભાઇ કાસુન્દ્રા, ચુનીલાલ મકનભાઇ સતવારા, હરેશભાઇ ઉર્ફે હકાભાઇ નારણભાઇ જાકાસણીયા, મુકેશભાઇ નારણભાઇ કંજારીયા અને જમીનના માલિક તરીકે જમીન વેચવા કાંતાબેનનું ખોટુ નામ ધારણ કરનાર સવિતાબેન ભગવાનજીભાઇ નકુમ તેમના પુત્ર પીન્ટુભાઇ ભગવાનજીભાઇ નકુમ અને અલ્પેશભાઇ ભગવાનજીભાઇ નકુમ રહે.બધા મોરબી વાળા વિરુદ્ધ છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાવી છે.

- text

વધુમાં પોલીસ ફરિયાદમાં ભગવાનજીભાઇ ખીમજીભાઇ દેત્રોજાએ જણાવ્યું હતું કે વર્ષ 2021માં મોરબી નવાબસસ્ટેન્ડ સામે આશાપુરા ટાવરમા વકીલ સહદેવસિંહની ઓફીસમાં ફરિયાદીના ભાઈના કહેવાથી જમીન દલાલ અંબારામભાઈ પટેલ અને તેની ટોળકીના મળતિયાઓએ વજેપર ગામની સીમમાં આવેલ સર્વે નંબર ૬૫૨ પૈકી ૩, સર્વે નંબર ૭૫૦ તથા સર્વે નંબર ૫૭૨ વાળી જમીન મળી કુલ જમીન ૪-૫૭-૨૯ હે.આર.ચો.મી. વેચવાની હોવાની હકિકત જણાવી
મૂળ ખાતેદાર તરીકે રહેલ કાંતાબેન નામ ધારણ કરનાર સવિતાબેન તથા સાક્ષી તરીકે રહેલ પીન્ટુભાઇ તથા અલ્પેશભાઇ એમ બધા વ્યક્તિઓએ પુર્વયોજિત કાવત્રુ રચી જમીનના માલીક કાંતાબેનના તથા તેના બન્ને પુત્રના આરોપી નં(૬)(૭) ના નામના ખોટા આધાર કાર્ડ બનાવડાવી ઉપરોક્ત જમીનના સોદાખતમાં ખોટા આધારકાર્ડનો ખરા તરીકે ઉપયોગ કરી તેમની સાથે છેતરપિંડી કરી હતી.

ચોંકાવનારી બાબત તો એ છે કે આરોપી દલાલ ટોળકીએ રૂપિયા 16 કરોડમાં વજેપરની જમીનનો સોદો કરી બદલામાં ફરિયાદીનો પ્લોટ લખાવી લઈ રોકડા રૂપિયા સાડા ત્રણ કરોડ પડાવી લીધા હતા.

જો કે, ફરિયાદી ભગવાનજીભાઇ ખીમજીભાઇ દેત્રોજાને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા તેમને જમીન દલા અંબારામ પટેલ સહિતની ઠગ ટોળકીનો સંપર્ક કરી નાણાં પરત માંગતા ઠગ ટોળકીએ નાણાંનો ભાગ પડી ગયો અને પૈસા વપરાય ગયાનો જવાબ આપતા અંતે આ મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ સામે આઇપીસી કલમ-૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી) મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text