મોરબીમાં પરાણે ફ્રેન્ડશીપ રાખવા દબાણ કરી અજયે કાળો કેર વર્તાવ્યો

- text


સીએની ઓફિસમાં સાથે જોબ કરતી યુવતી અને તેની બહેનના ફેક આઈડી બનાવી ન્યૂડ ફોટા મોર્ફ કરતા આઇટી એકટ અન્વયે ફરિયાદ દાખલ : પોલીસે ત્વરિત પકડી પ્રેમનું ભૂત ઉતાર્યું

મોરબી : મોરબી શહેરના રવાપર રોડ ઉપર રહેતા પટેલ પરિવારની દીકરી સાથે પરાણે ફ્રેન્ડશીપ રાખવા દબાણ કરી મૂળ હળવદ તાલુકાના કીડી ગામના અજય પાંચોટીયાએ કાળો કેર વર્તાવી યુવતી તેમજ તેમના બહેનનું ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી તેમજ જીમેલ આઈડી બનાવી મોર્ફ કરેલા ન્યૂડ ફોટા અપલોડ કરી ફોન તેમજ રૂબરૂ મળી યુવતી અને તેમના પરિજનોને ધમકી આપતા આ મામલે યુવતીએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં આઇટી એકટ સહિતની કલમો મુજબ ફરિયાદ નોંધાવી છે. જો કે આ ગંભીર બનાવ મામલે પોલીસે પણ ત્વરિત કાર્યવાહી કરી ધરાર પ્રેમીને કાયદાનું ભાન કરાવી હાલ પ્રેમનું ભૂત ઉતારી નાખ્યું છે.

(આ કિસ્સામાં મોરબી અપડેટ દ્વારા સામાજિક જવાબદારી સમજી યુવતી અને યુવતીના પરિવારની ઓળખ અને સરનામું જાહેર કરાયું નથી)

આધુનિક સમયમાં યુવક અને યુવતીઓ માટે ચેતવણી રૂપ આ કિસ્સાની વિગતો જોઈએ તો મોરબી શહેરના રવાપર રોડ ઉપર રહેતા પટેલ પરિવારની દીકરીએ એમ.કોમ. સુધીનો અભ્યાસ કર્યા બાદ મોરબીની જાણીતી સીએ કંપનીમાં જોબ શરૂ કરી હતી. સીએ કંપનીમાં જોબ દરમિયાન આ દીકરીનો પરિચય સહ કર્મચારી એવા અજય મણીલાલ પાંચોટીયા, રહે.મહેન્દ્રનગર, ધાવડી વિસ્તાર, તા.જી.મોરબી, મુળ રહે.કીડી, તા.હળવદ વાળા સાથે થતા બન્ને ફ્રેન્ડ બન્યા હતા. જો કે, બન્ને વચ્ચે મિત્રતા દરમિયાન અજયે ક્યારેય પણ દુર્વ્યવહાર કર્યો ન હતો.

પરંતુ બાદમાં આ દીકરીએ સીએ કંપનીમાંથી નોકરી છોડતા અજય મણીલાલ પાંચોટીયાએ દુર્વ્યવહાર શરૂ કરી આ દીકરી સાથે પરાણે ફ્રેન્ડશીપ રાખવા દબાણ કરવાનું શરૂ કર્યું હતું અને આવું નહિ કરવા સમજાવવા જનાર યુવતીના કૌટુંબિક જીજાજીને અજયે ફડાકા ઝીકી દીધા હતા.

- text

નોંધનીય છે કે અજય સાથે મિત્રતા દરમિયાન અજયે યુવતિના ઘરના તમામ સભ્યો સાથે પરિચય કેળવી લીધો હતો જેનો દુરુપયોગ કરી અજયે પટેલ યુવતીની મોટી બહેનની સગાઈ તોડાવી નાખવા ધમકી આપી ફ્રેન્ડશીપ કરવા દબાણ લાવાતા આ પરિવારે જ્ઞાતિ અગ્રણીઓને સાથે રાખી અજય પાચોટીયાને સમજાવતા ફરી મામલો થાળે પડ્યો હતો.

પરંતુ કોઈપણ ભોગે યુવતી સાથે ફ્રેન્ડશીપ રાખવાની જીદ પકડનાર અજય પાચોટીયાએ ફરી થોડા સમયમાં પોત પ્રકાશ્યુ હતું અને હવે યુવતીના પિતા, બહેન અને ઘરના તમામ સભ્યોના ફોનમાં ફોન કરવાનું ચાલુ કરી યુવતીના પિતાની ફેકટરીના ઇમેઇલ ઉપર ફેક જીમેલ આઈડી બનાવી યુવતીના બહેનના મોર્ફ કરેલા ફોટા મોકલતા અંતે આ ગંભીર મામલે યુવતીએ મોરબી જિલ્લા પોલીસવડાને સંબોધી અરજી કરી ગઈકાલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવી છે.

સમાજ માટે લાલબત્તી સમાન આ ગંભીર બનાવ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે આઈપીસી કલમ ૫૦૭, ૫૦૬(૨), ૪૬૯ તથા ધ ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ ૨૦૦૦ના કાયદાની કલમ ૬૭, ૬૭(બી), ૬૬(સી) મુજબ આરોપી અજય મણિલાલ પાચોટીયા વિરુદ્ધ ગુન્હો નોંધી ત્વરિત અટકાયત કરી કાયદાના પાઠ ભણાવી પ્રેમનું ભૂત કાયમી ઉતરી જાય તેવી કાર્યવાહી હાથ ધરતા હાલ યુવતી અને તેમના પરિવારજનોને રાહત મળી છે.

(નોંધ : યુવતી અને પરિવારની શાખને ધ્યાને લઇ મોરબી અપડેટ યુવતીના પરિવારના નામ, સરનામાનો ક્યાંય ઉલ્લેખ ન કરી સાચો પત્રકારીત્વ ધર્મ નિભાવ્યો છે.)

- text