સોનાની થાળીમાં લોઢાની મેખ ! જિલ્લા કલેકટર કચેરીમાં જ ગંદકી

- text


જિલ્લા સેવા સદનના બીજા માળે જિલ્લા આયોજન કચેરી આજુબાજુમાં ગંદકીનું સામ્રાજ્ય

આયોજન કચેરીમાં જ આયોજનનો અભાવ, પાણીના કુલર પાસે કચરાનો ઢગલો જોવા મળ્યો

મોરબી : મોરબીમાં કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલ જિલ્લા સેવા સદનમાં રખરખાવના અભાવે ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે. ખાસ કરીને સેવા સદનના બીજા માળે આવેલ આયોજન કચેરીમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. દરરોજ મોટી સંખ્યામાં અરજદારો જિલ્લા આયોજન કચેરીમાં વિવિધ કામો માટે આવતા હોય છે ત્યારે આ પ્રકારની ગંદકીના કારણે અરજદારોને પણ મુશ્કેલી પડી રહી છે. જિલ્લા આયોજન કચેરીમાં જ જાણે આયોજનનો અભાવ જોવા મળી રહ્યો હોય તેમ કચેરીમાં ઠેર ઠેર પાનની પિચકારી અને કચરો ફેંકેલો જોવા મળી રહ્યો છે.

મોરબી જિલ્લા સદનમાં હાઉસ કિપિંગ નામે મીંડું હોય કરોડોના ખર્ચે નિર્માણ થયેલ કચેરીમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જિલ્લા આયોજન કચેરીમાં પ્રવેશતાં જ ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. પીવા માટેના પાણીનું કુલર પણ જાણે બંધ હાલતમાં હોય તેમ કુલરની પાસે જ મોટી કચરાપેટી જોવા મળી રહી છે અને કચરાપેટીમાંથી કચરો લેવાની કોઈ તસ્દી લેવામાં આવતી નથી જેના કારણે કુલરની આસપાસ ચાના કપ અને અન્ય કચરાનો જમાવડો થઈ ગયો છે.

વધુમાં કચેરીમાં અરજદારો માટે પાણી પીવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પરંતુ વોટર કુલરની જગ્યાએ પણ પાનની અને ચુનાની પિચકારીઓ જોવા મળી રહી છે. ગંદકી ન કરવાની સૂચના લખેલી હોવા છતાં ગંદકી જોવા મળી રહી છે.

જિલ્લા સેવા સદનની લોબીમાં પણ ઠેર ઠેર પાનની પિચકારી મારેલી જોવા મળી રહી છે. કચેરીમાં કામ માટે આવતા અરજદારો દ્વારા આ ગંદકીને લઈને રજૂઆતો પણ કરાઈ છે છતાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. ત્યારે અહીં આવતા અરજદારોની માંગ છે કે કચેરીમાં જોવા મળતી ગંદકી વહેલી તકે દૂર કરી સ્વચ્છતાના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરવામાં આવે.

- text

- text