હરણી રોજુ રાખી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

- text


યંગ ઇન્ડિયા ગ્રુપે મુસ્લિમ બિરાદરોને પવિત્ર રમજાન માસની શુભેચ્છા પાઠવી

મોરબી : મોરબીમાં સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા તમામ મુસ્લિમ બિરાદરોને પવિત્ર રમજાન માસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. આંતરિક શુદ્ધિનો આ પર્વ સમાજમાં પ્રેમ અને શાંતિનો સંદેશ પણ આપે છે. તેમ ગ્રૂપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ 27મુ હરણી રોજુ રાખીને જણાવ્યું છે.

યંગ ઇન્ડિયા ગ્રૂપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ પવિત્ર રમજાન માસ વિશે કહ્યું છે કે ખુદાના બંદાને બૂરાઈથી દૂર રાખીને અલ્લાહની નજીક લઈ જનારો પાક માસ એટલે રમઝાન માસ. રમઝાન માસમાં વાતાવરણમાં ઢોળાતી અજાન અને એકીસાથ દુવા માટે ઊઠતા લાખોના હાથ જાણે ખુદા સાથેની મહોબતનો પયગામ આપી રહ્યા હોય તેવી પ્રતીતિ થાય છે. રોજાને અરબીમાં સોમ કહે છે. જેનો મતલબ થાય છે રોકવું. પોતાની જાતને કુકર્મ કરતા રોકવી, રોજાનો અર્થ થાય છે કે બંદાએ પોતાની જાતને કામ, ક્રોધ, લોભ, મોહ, દ્વેષ, જેવા દુર્ભાવોથી બચાવવું.સાચા દિલથી બંદગી કરનારનાં સમગ્ર પાપોને માફી મળી જાય છે.

આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહેવાથી સમજાય છે કે ભૂખ શું છે? તેથી ભૂખ્યા લોકો પ્રત્યે હમદર્દી અને દયાના ભાવ જાગે છે અને તે દાન કરવા પ્રેરાય છે. કુરાન શરીફમાં આ માસનું મહત્વ દર્શાવતા કહ્યું છે કે, સામાન્ય દિવસોમાં મનુષ્યનો સમય તેની શારીરિક જરૂરિયાતની પૂર્તિ કરવામાં જ જાય છે. ત્યારે રોજામાં મનુષ્ય પોતાની ઈચ્છાઓ , ભૂખ, તરસ બધું જ અલ્લાહને સમર્પિત કરી દે છે. અને સંપૂર્ણ ભાવ સાથે અલ્લાહને યાદ કરે છે. આ પાક દિવસોમાં શરીરની નહિ પરંતુ રૂહાની જરૂરિયાતની પૂર્તિ માટે ખુદાએ રોજાની વ્યવસ્થા બનાવી છે.

- text

અંતમાં તેઓએ ઉમેર્યું કે દરેક ભારતીય બિરાદરોને પવિત્ર રમઝાન માસની શુભેચ્છા પાઠવું છું. આંતરિક શુદ્ધિનું આ પર્વ સમાજમાં પ્રેમ અને શાંતિનો સંદેશ આપે છે આજરોજ 27માં રોજા (હરણી રોજુ) નિમિતે રોઝા રાખી એક હિન્દૂ તરીકે ભારતીય સંસ્કૃતિની ગરીમાને જાળવતા સર્વેનો સમાવેશ કરતી આ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે અમારી કૃતજ્ઞતા વ્યકત કરી વિવિધતામાં એકતાથી વરેલા દેશમાં કાયમ સમન્વય અને સહિષ્ણુતા જળવાય તેવી ઈશ્વર અને અલ્લાહ પાસે પ્રાર્થના. ઉલ્લેખનીય છે કે 27માં હરણી રોજાનું ખૂબ મહત્વ છે. અનેક હિંદુઓ પણ આ રોજુ ભારે આસ્થાભેર રાખે છે. ત્યારે યંગ ઇન્ડિયા ગ્રૂપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ પણ આજે હરણી રોજુ રાખ્યું છે.

- text