ટંકારામાં અખાત્રીજે પાટીદાર સમાજના સમુહલગ્ન યોજાશે

- text


સમાજના ભવનનું લોકાર્પણ અને દાતાનું સન્માન કરાશે

ટંકારા : ટંકારામાં પાટીદાર સમાજનો દશમો સમુહલગ્ન, પાટીદાર સમાજના ભવનનું લોકાર્પણ અને દાતાનું સન્માન આમ અખાત્રીજના દિવસે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે. સમુહલગ્નમાં ૧૧ યુગલો પ્રભુતામાં પગલાં માંડશે. ત્યારે કાર્યક્રમની તૈયારીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

આગામી તા. ૩-૫-‘૨૨ ને મંગળવારે અખાત્રીજના દિવસે પાટીદાર સમાજનો દશમો શાહી સમુહ લગ્નોત્સવ, ટંકારા પાટીદાર સમાજ ભવનનુ લોકાર્પણ અને દાતાશ્રીનું સન્માન એમ ત્રિવિધ કાર્યક્રમ ઉજવાવવા જઈ રહ્યો છે ત્યારે પૂર્વ તૈયારીનો ધમધમાટ તેના અંતિમ ચરણમાં પહોંચ્યો છે. આ શાહી સમુહ લગ્નોત્સવમાં ૧૧ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડવા જઇ રહ્યા છે. જેને કરીયાવર ભેટ તરીકે સોનુ, ચાંદી, વાસણ, ફર્નિચરથી લઈને ધાર્મિક પુસ્તકો સહિત ૬૫ જેટલી વસ્તુઓ આપવામાં આવશે.

લગ્નોત્સવ દરમ્યાન રક્તદાન, બેટી બચાવો, સ્વચ્છ ભારત, પાણી બચાવો, વૃક્ષો વાવો તેમજ પશુ-પક્ષીની જીવમાત્રની જાળવણીનું મહત્વ જેવી વિવિધ થીમ રજૂ થશે. આ શુભ પ્રસંગે સંતો, મહંતો, સામાજિક-રાજકીય અગ્રણીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે. બગથળા નકલંક ધામ આશ્રમના મહંત દામજી ભગત નવયુગલોને આશીર્વાદ આપવા ખાસ ઉપસ્થિત રહશે. છેલ્લા ૯ વરસથી આયોજિત થતા શાહી સમૂહલગ્ન ઓરપેટ કન્યા છાત્રાલયના પટાંગણમાં યોજાતો હતો ત્યારે ગયા વર્ષમાં તૈયાર થયેલ ટંકારા પાટીદાર સમાજ ભવન, જેનું કલ્યાણપર રોડ ઉપર નવનિર્માણ કરવામાં આવ્યું છે, તેનુ લોકાર્પણ કરી આ દશમો લગ્નોત્સવ અહીં યોજવામાં આવશે.

- text

ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતિના અધ્યક્ષ અરવિંદભાઇ બારૈયા, ઉપાધ્યક્ષ કચરાભાઈ ઘોડાસરા, પ્રમુખ હીરાભાઈ ફેફર, ઉપપ્રમુખ દિપકભાઈ સુરાણી, વલ્લભભાઈ જીવાણી, મંત્રી રમેશકુમાર કૈલા, ગોરધનભાઈ ચીકાણી, ડાયાલાલ બારૈયા, કેશુભાઈ જીવાણી, વિનોદભાઈ સુરાણી, વાત્સલ્ય મનીપરા સહિતની સમગ્ર ટિમ દ્વારા તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. વ્યવસ્થાના ભાગરૂપે અલગ-અલગ કમિટી પણ બનાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સમુહ લગ્ન શાહી ઠાઠમાઠ સાથે યોજાતો હોય, પાટીદાર સમાજ ઉપરાંત પણ શહેરના નાગરીકો સહપરિવાર સાથે લગ્નો માણવા ઉપસ્થિત રહેનાર છે.

- text