ખોખરાધામમાં હાથી-ઘોડાની બગીઓ સાથે ઠાઠમાઠથી યોજાઇ ભવ્ય પોથીયાત્રા

- text


ખાસ મહારાષ્ટ્રથી બોલાવેલા બેન્ડબાજા અને ઢોલનગારાના તાલે રાસ-ગરબે રમતા-રમતા બેલાથી ખોખરાધામ ખાતે વાજતેગાજતે પહોંચી પોથીયાત્રા

પોથીયાત્રામાં સાધુ સંતો, રાજકીય, સામાજિક, ઉદ્યોગ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા

પોથીયાત્રા સંપન્ન થયા બાદ રામકથા શરૂ : ભગવાન શ્રીરામના પવિત્ર નાદ સાથે દિવ્ય અલૌકિક વાતાવરણ સર્જાયું

મોરબી : મોરબી નજીક આવેલ ખોખરા હનુમાનજી ધામ ખાતે આજે સવારે રામકથાના પ્રારંભે બેલા ગામથી ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. બેલા ગામથી રજવાડાની માફક હાથી ઘોડાને શણગાર કરી પોથીયાત્રા સાથે હાથી, ઘોડાની બગીમાં બીરાજમાન થઈ ખાસ મહારાષ્ટ્રથી બોલવેલા બેન્ડબાજા, ઢોલ નગરાના તાલે લોકો રાસ ગરબે રમતા રમતા તેમજ જયશ્રી રામના નાદ સાથે પોથીયાત્રા ઉપાડીને ખોખરાધામમાં પહોંચ્યા હતા. ખોખરાધામમાં ભગવાન શ્રીરામના પવિત્ર નાદ સાથે દિવ્ય અલૌકિક વાતાવરણ સર્જાયું હતું.

મોરબી નજીક આવેલ ખોખરા હનુમાન ધામ ખાતે સૌથી ઉંચી 108 ફૂટની ભગવાન હનુમાનજીની ભવ્ય મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હનુમાનજીની મૂર્તિનું અનાવરણ અને રામકથા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે રામકથાના પ્રારંભે બેલા ગામથી અદલ રાજશાહી માફક જ ઠાઠમાઠથી ભવ્ય પોથીયાત્રા કાઢવામાં આવી છે. જેમાં મુખ્ય યજમાન તરીકે જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના પ્રમુખ અજય લોરીયા પોથી ઉપાડીને ઘોડાની બગીમાં બિરાજમાન થયા હતા. તેમનો રથ સૌથી આગળ રહ્યો હતો.

આ ઉપરાંત, બીજી ઘોડાની બગીઓ અને હાથીને ખાસ પરંપરાગત રીતે શણગારીને તેમાં સાધુ સંતો તેમજ રાજકીય અગ્રણીઓ ઉપરાંત અન્ય અગ્રણીઓ પણ બિરાજમાન થયા હતા. જ્યારે આ પોથીયાત્રા માટે ખાસ મહારાષ્ટ્રથી પરંપરાગત બેન્ડબાજા અને ઢોલ નગરાવાળાને બોલાવવામાં આવ્યા હતા. આ લોકોએ પણ બેન્ડબાજા અને ઢોલ નગારાની અદભુત સુરાવલી છેડીને વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.

બેલા ગામથી આ રીતે પોથીયાત્રા વાજતે ગાજતે નીકળી હતી. જેમાં સાધુ સંતો તેમજ રાજકીય, સામાજિક અને ઉધોગ ક્ષેત્રેના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ખાસ બહેનો તેમજ યુવાનોએ બેન્ડ બાજા અને ઢોલ નગારાની અદભુત સૂરાવલીના નાદ સાથે રાસ ગરબે ઝૂમી ઉઠ્યા હતા. જો કે પોથીયાત્રામાં જોડાયેલા ખાસ ઘોડેસવારોએ અદભુત કરબત દર્શાવ્યા હતા. સાથેસાથે જયથી રામના અદભુત નાદથી વાતાવરણ એકદમ અલૌકિક બની ગયું હતું.

- text

આ ભવ્ય પોથીયાત્રા ખોખરાધામમાં પહોંચી ત્યારે અદભુત રીતે સ્વાગત કરાયું હતું અને પૂ. કનકેશ્વરી દેવીએ મંદિરમાં પહોંચીને દર્શન કર્યા હતા. તેમજ યજમાનો પોથીયાત્રા ઉપાડીને મંદિરમાં પહોંચીને દર્શનનો લ્હાવો લીધો હતો. ઉપરાંત પોથીયાત્રામાં જોડાયેલા હજારો લોકોએ મંદિરમાં દર્શન કર્યા હતા. પોથીયાત્રા સંપન્ન થતા જ રામકથા શરૂ કરવામાં આવી છે. જેમાં હજારો લોકો હાજરી આપી છે. એકંદરે ખોખરાધામમાં આજે અદ્વિતીય ભક્તિનો નજારો જોવા મળ્યો છે.

- text