હળવદ પંથકમાં ત્રણ દિવસથી વિજ ધાંધીયાથી ખેડૂતો પરેશાન

- text


૧૨૫ જેટલા ખેડુતોના ખેતરે ત્રણ દિવસથી વીજળી ગૂલ : આજ સાંજ સુધીમાં વીજપુરવઠો પૂર્વવત થવાનું જણાવતું વીજ તંત્ર

હળવદ: હળવદ તાલુકાના કેદારીયા અને રણજીતગઢ ગામના ૧૨૫થી વધારે ખેડૂતોને વીજ પુરવઠો પૂરું પાડતા દેરીયારી ફીડરમાં છેલ્લા ત્રણ દિવસથી વીજ ધાંધિયાથી ખેડૂતો ભારે પરેશાન થઈ ગયા છે ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવે તો હા થઈ જશે તેવો જ જવાબ સાંભળવા મળી રહ્યો છે જેથી વહેલી તકે વીજ પૂરવઠો પૂરો પાડવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.બીજી તરફ વીજતંત્રએ આજ સાંજ સુધીમાં વીજ પુરવઠો પૂર્વવત થવાનું જણાવ્યું હતું.

હળવદ પાવર હાઉસ હેઠળ આવતા દેરીયારી ફિડર થકી કેદારીયા અને રણજીત ગઢ ગામના ૧૨૫ થી વધારે ખેડૂતોને વીજ પૂરવઠો પૂરો પાડવામાં આવે છે પરંતુ શુક્રવારથી એકાએક વીજ પુરવઠો બંધ થઈ જતા ખેડૂતો દ્વારા પીજીવીસીએલના કર્મચારીઓને રજૂઆત કરવામાં આવી હતી જેથી આજે માત્ર બે કલાક પૂરતો વીજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો હતો જોકે ત્યારબાદ વળી પાછો બંધ કરી દેવાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.વધુમાં ખેડૂતો જણાવી રહ્યા છે કે હાલ તલ,બાજરી સહિતના પાક ને સિંચાઇની વધુ જરૂરીયાત હોય તેવા સમયે ત્રણ ત્રણ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ભારે તકલીફ વેઠવાનો વારો આવ્યો છે પીજીવીસીએલ તંત્ર વહેલી તકે દેરીયારી ફીડરમાં રાબેતા મુજબ વીજ પુરવઠો ચાલુ કરે તેવી અમારી માંગ છે.

- text

આ બાબતે હળવદ પીજીવીસીએલના જુનિયર એન્જિનિયર વી.કે પટેલને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે હળવદ પાવર હાઉસમાંથી દેરીયારી ફિડર સુધી નાંખવામાં આવેલ વીજલાઇનના તાર ઢીલા થઈ ગયા હોય જે એકદમ નીચે આવી ગયા હોવાથી તેને ખેંચવાની કામગીરી હાલ ચાલુ છે જે સોમવારે બપોર સુધીમાં કામગીરી પૂર્ણ થયે રાબેતા મુજબ વીજ પુરવઠો કાર્યરત કરી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું વધુમાં એમ પણ જણાવ્યું હતું કે હાલ ખેડૂતો પાસે વીજ બિલની ઉઘરાણી ચાલુ હોય જેથી ખેડૂત મિત્રો પણ બાકી નીકળતું વીજબીલ ભરપાઇ કરી દે જેથી તંત્ર મેન્ટેનન્સની કામગીરી માં પણ ધ્યાન આપી શકે.

- text