ચકમપર પાસે નદી પરના બ્રિજનું કામ ઝડપથી પૂરું ન થાય તો આંદોલનની ચીમકી

- text


બ્રિજના કામની મુદત પૂરી થઈ જવા છતાં જવાબદાર અધિકારીઓના અણઘડ વહીવટી કારણે કામ હજુય પૂરું ન થયાનો ચકમપર ગ્રામ પંચાયતે બળાપો ઠાલવ્યો

પુલના નબળા કામ મામલે ચકમપર ગ્રામ પંચાયતે જિલ્લા કલેક્ટરને રજુઆત કરી

મોરબી : મોરબીના ચકમપર ગામ પાસેની ઘોડાધ્રોઈ નદી પરના બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો ચકમપર ગ્રામ પંચાયતે ગંભીર આક્ષેપ કર્યો છે. જેમાં આ બ્રિજના કામની 11 માસની મુદત પૂરી થઈ જવા છતાં કામ આજે પણ અધુરું રહ્યાનું અને ચાલુ વરસાદે બ્રિજનું કામ કરવા બાબતે ગેરરીતિની ફરિયાદ ઉઠાવ્યા છતાં જવાબદાર અધિકારીઓએ પગલાં ન લેતા ચકમપર ગ્રામ પંચાયતે અધિકારીઓની ઢીલી નીતિ સામે વેધક સવાલો ઉઠાવ્યા છે.

ચકમપર ગ્રામ પંચાયતે જિલ્લા કલેક્ટરને રજુઆત કરીને જણાવ્યું હતું કે, ચકમપ-જીવાપર રોડ ઉપર આવેલી ઘોડાધ્રોઈ નદી ઉપર વર્ષ 2019માં 11 માસમાં પૂરું કરવાની શરતે અમદાવાદની કોન્ટ્રાક્ટ એજન્સી શક્તિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા મેજર બ્રિજ બનાવવાનું કામ શરૂ કરવામાં આવી હતી. પણ કામની મુદત પૂરી થયાને ઘણો સમય વીતી ગયો છતાં આ કોન્ટ્રાક્ટ એજન્સી હજુ સુધી પણ બ્રિજનું કામ પૂરું કરી શકી નથી. માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓના અણઘડ વહીવટને કારણે આ બ્રિજનું કામ પૂરું થયું ન હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.

- text

વધુમાં જણાવ્યું હતું કે, ચાલુ વરસાદે પુલના બિમનું કામ પાણીમાં હલકી કક્ષાના મટીરીયલ વાપરીને કર્યું હોવાની સ્થાનિક જવાબદાર તમામ અધિકારીઓને જાણ કરવા છતાંય આ ગંભીર બાબતે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જો કે કોન્ટ્રાક્ટ એજન્સીનો 11 માસનો કરાર પૂરો થઈ ગયો હોવાથી છતાં નબળું કામ ચાલુ રાખીને ભવિષ્યમાં આ નવો પુલ પણ બિન સલામત રહે એવું કૃત્ય કર્યું હોવા છતાં એનો વાળ વાંકો ન થતા જવાબદાર અધિકારીઓ સાથે મિલીભગત હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. ત્યારે અંગે કલેક્ટરને રજુઆત કરી વહેલી તકે પુલનું યોગ્ય રીતે કામ પૂરું ન થાય તો ગામલોકોને સાથે રાખી કલેક્ટર કચેરીએ ઉપવાસ આંદોલનની ચીમકી આપી છે.

- text