કેન્દ્રીય મંત્રી મુંજપરાએ મધ્યસ્થી કરતા બાળકીનો મૃતદેહ સ્વિકારતા પરિવારજનો

- text


 

હળવદના ઘનશ્યામગઢ અકસ્માતના બનાવ મામલે ધારાસભ્ય સાબરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ સિહોરા, સદસ્ય પપ્પુભાઈ ઠાકોર સહિતના આગેવાનો દોડી આવ્યા

હળવદ : હળવદ તાલુકાના ઘનશ્યામગઢ નજીક ગઈકાલે માસૂમ બાળકીને માતાપિતાની નજર સામે રેતી ભરેલા ડમ્પર ચાલકે કચડી નાખવાના બનાવમાં જ્યાં સુધી ડમ્પર ચાલક અને ડમ્પર ન ઝડપાઇ ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કરનાર પરિવારજનો દ્વારા અંતે આજે 24 કલાક બાદ કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા અને અન્ય આગેવાનોની મધ્યસ્થી બાદ મૃતદેહ સ્વીકાર્યો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે ગુરૂવારના બપોરના બે વાગ્યાની આસપાસ ધાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામના દંપતી અને તેના ત્રણ બાળકો સાથે હળવદ તાલુકાના અજીતગઢ ગામેથી રાવળીયાવદર પરત જઈ રહ્યા હતા તે વેળાએ ઘનશ્યામગઢ ગામ નજીક ડમ્પર ચાલકે પાછળથી ટક્કર મારતા બાઈકમાં સવાલ સાત વર્ષની માસૂમ દીકરી કિંજલ ઠાકોરનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ચારને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.

- text

આ બનાવ બાદ ડમ્પર ચાલક અને ડમ્પરને ઝડપી લઇ આકરી કાર્યવાહી કરવાની માંગ સાથે પરિવારજનો, રાવળીયાવદર ગામના સરપંચ રતનસિંહ ઠાકોર તેમજ ઠાકોર સમાજના આગેવાનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો જોકે આખરે 24 કલાક બાદ કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ સિહોરા, જિલ્લા પંચાયતના સદસ્ય પપ્પુભાઈ ઠાકોર, ભરતભાઈ રાઠોડ સહિતના આગેવાનો હળવદ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવી ડમ્પર અને તેના ચાલક સાથે યોગ્ય કાર્યવાહી કરવાની જરૂરી વિભાગને સુચનાઓ આપી મધ્યસ્થી કરતા આખરે પરિવારજનોએ બાળકીનો મૃતદેહ સ્વીકારી લીધો હતો અને હાલ ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text