રોડની વચ્ચોવચ ખડકાયેલા રેતીના ઢગલો કુદી ઇકો કાર પલ્ટી મારી ગઈ

- text


માળીયાના સરવડ-પીપળીયા રોડ ઉપર કોઈ ટ્રક ચાલક રેતીનો ઢગલો ખડકી દેતા અકસ્માત સર્જાયો

માળીયા : માળીયા જામનગર હાઇવેને જોડતા સરવડ-પીપળીયા રોડ ઉપર કોઈ ટ્રક ચાલક રેતીનો ખડકલો કરીને ફરાર થઈ જતા આજે વહેલી સવારે ટ્રક ચાલકની જોખમી બેદરકારીને કારણે અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં રોડની વચ્ચોવચ ખડકાયેલા રેતીના ઢગલાને કુદી ઇકો કાર પલ્ટી મારી ગઈ હતી. તંત્રની ઢીલી નીતિને કારણે ખનીજ માફિયાઓ બેફામ બનતા આ અકસ્માત થવાથી સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા જામનગર હાઇવેને જોડતા સરવડ-પીપળીયા રોડ ઉપર કોઈ ટ્રક ચાલકે રેતીનો ઢગલો ખડકી દીધો હતો. દરમિયાન આજે વહેલી સવારે ગાઢ ધૂમમ્સ છવાઈ હોય થોડે દુર પણ ન દેખાતા આજે અહીંથી પસાર થઈ રહેલી જી.જે.12 ડી.જી. 1014 નંબરની ઇકો ગાડી રોડની વચ્ચોવચ પડેલા રેતીના ઢગલા ઉપર ચડી ગઈ હતી અને ઇકો કાર રેતીના ઢગલા ઉપર ચડી જતા કાર બેકાબુ થઈ જતા પલ્ટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં કારનો બુકડો બોલી ગયો હતો.પરંતુ કારમાં કેટલા લોકો હતા અને કેટલાને ઇજા થઇ તે અંગે જાણી શકાયું નથી. પણ ખનીજ માફિયાઓની જોખમી બેદરકારીને કારણે આ અકસ્માતની ઘટના બનતા લોકોમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર માળીયા હાઇવે ઉપર ખનીજ માફિયાઓના ઓવરલોડ ડમ્પરો બેફામ ગતિએ દોડતા હોય છે. ઘણીવાર ઓવરલોડ ડમ્પર હોવાથી ખાણ ખનીજ કે આરટીઓની કાર્યવાહીથી બચવા ડમ્પરમાંથી રેતી કે અન્ય ખનીજનો જથ્થો રોડની વચ્ચે ઠાલવી દેવાતા હોય છે. આવી જ રીતે કોઈ ડમ્પર કે ટ્રક ચાલકે રોડની વચ્ચે જ રેતીનો ઢગલો કરી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.તેથી આવી ઘટના ફરી ન બને તે માટે સંબધિત તંત્ર દોષીતો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text