નર્મદા કેનાલમાં પાણી ઓછું છોડાતું હોવાથી છેવાડાના માળિયા તાલુકામાં વિકટ બનતો સિંચાઈનો પ્રશ્ન

- text


માળિયા તાલુકા નર્મદા શાખા નહેર ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા બે દિવસમાં વધુ પાણી નહિ છોડાય તો આંદોલનની ચીમકી

માળિયા : માળિયા તાલુકામાં નર્મદા નીર કેનાલ મારફતે પહોંચતું ન હોય ખેડૂતોની હાલત દયનિય બની હોવાની રાવ સાથે જો બે દિવસમાં નર્મદા નીર પહોંચતું કરવામાં નહિ આવે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી માળિયા તાલુકા નર્મદા શાખા નહેર ખેડૂત હિતરક્ષક સમિતિ પ્રમુખ જયંતીલાલ અમરશીભાઈ કૈલા દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રજુઆત કરવામાં આવી છે.

રજુઆતમાં જણાવાયું છે કે નર્મદા નહેરની માળિયા બ્રાન્ચ કેનાલ છે એ ઢાંકીથી લખતર, ધ્રાગંધ્રા, હળવદ, માળિયા તાલુકાના છેવાડાના ગામ ખીરઇ સુધી જાય છે. જેમાં હાલમાં સિંચાઈ માટે 800 કયુસેક પાણી છોડવામાં આવેલ છે. તે પાણી હળવદના ટિકર સુધી જ પહોચે છે. તો આ પાણી માળિયાના ખીરઇ ગામ સુધી પહોંચે તે માટે ભૂતકાળમાં 1050 ક્યુસેક પાણી છોડવામાં આવતું હતું. જેથી તે પાણીમાંથી જામનગર અને કચ્છમાં પણ પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હતું.

- text

જેથી 1050 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવે તો જ ખીરઇ સુધી ખેડૂતોને સિંચાઈનો લાભ મળી શકે અને તેઓ પોતાના મુરઝાતા પાકને બચાવી શકે. આ ઉપરાંત કેનાલમાં અત્યારે બેથી ત્રણ ફૂટ સુધી માટી પણ જમા થયેલ છે. સાથે સેવાળ પણ જામી ગઈ છે. જે પાણીના વહનમાં બાધારૂપ બને છે. માટે કેનાલની સફાઈ કરવાની પણ તાતી જરૂરિયાત ઉભી થઇ છે. વધુમાં જો બે દિવસમાં પાણી નહિ પહોંચે તો માળિયા તાલુકાના ખેડૂતોના મગફળી અને કપાસ સહિતના પાકોને મોટી નુકસાન થશે. માટે ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલનની પણ ફરજ પડશે. અંતમાં સમિતિએ બે દિવસમા પાણી પહોચાડવાની માંગ કરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text