નળ વાટે ભૂગર્ભ ગટર મિશ્રિત પાણી વિતરણથી મોરબીમાં રોગચાળાને આમંત્રણ

- text


કડવા પાટીદાર પ્લોટ, ભીમરાવનગર સોસાયટી, કાલિકા પ્લોટ અને પરસોતમચોક સહિતના વિસ્તારમાં પાંચેક દિવસથી સમસ્યા

મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતા પાણી સાથે ભૂગર્ભ ગટરના દુષિત પાણી ભળી જતા રોગચાળાને આમંત્રણ આપવા જેવો ઘાટ ઘડાયો છે, શહેરના કડવા પાટીદાર પ્લોટ, ભીમરાવનગર સોસાયટી, કાલિકા પ્લોટ અને પરસોતમચોક સહિતના વિસ્તારમાં પાંચેક દિવસથી આ સમસ્યા સર્જાતા લોકો પીવા-વાપરવાના પાણી મેળવવા તરસી રહ્યા છે. જો કે પાલિકાના સત્તાધીશો દ્વારા આવતીકાલ સુધીમાં સમસ્યા ઉકેલાઈ જવાની ખાતરી આપવામાં આવી છે.

મોરબીના વિજયનગર પાસે આવેલા કડવા પાટીદાર પ્લોટ, ભીમરાવનગર સોસાયટી, કાલિકા પ્લોટ અને પરસોતમચોક સહિતના વિસ્તારમાં છેલ્લા પાંચેક દિવસથી નળ વાટે ગટરનું દુર્ગંધવાળું અને ફીણવાળું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ પીવામાં તો ઠીક પણ ઘર વપરાશમાં પણ ઉપયોગમાં ન લઈ શકાય એવું ગંદુ ગટરનું અને ફીણવાળું હોવાથી આવું પાણી પીને લોકોને ઝાડા ઉલટી થઈ શકે અને તેની તંદુરસ્તી ખરાબ થઈ શકે તેવા પ્રશ્નો ઊભા થયા છે.

- text

બીજી તરફ આ મામલે મોરબી પાલિકાના વોટરવર્કસ વિભાગના અધિકારી જાનીનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે ઉપરોક્ત વિસ્તારમાં ભૂગર્ભના પાણી પીવાના પાણીની લાઈન સાથે ભળી ગયા હોવાથી આ સમસ્યા સર્જાઈ છે અને હાલમાં લાઈન લીકેજનો પ્રશ્ન ઉકેલવા કામગીરી ચાલુ છે અને આવતીકાલ સુધીમાં પ્રશ્ન ઉકેલાઈ જશે તેવું જણાવ્યું હતું.

- text