બે આઇસર ટ્રક સામસામા અથડાતા બંને ચાલકોના મોત

- text


માળીયાના સરવડ અને બરાર ગામ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત

માળીયા (મી.) : માળીયા તાલુકાના સરવડ અને બરાર ગામ નજીક આજે સવારે બે આઇસર ટ્રક સામસામા ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બન્ને આઇસર ટ્રકના ચાલકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે એક આઇસર ટ્રકના ક્લીનરને ઇજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની માળીયા મીયાણા પોલીસ મથકના પોલીસ કર્મચારી ક્રિપાલસિંહે વિગતો આપતા જણાવ્યું હતું કે, માળીયા તાલુકાના સરવડ અને બરાર ગામ વચ્ચે આજે સવારે બે આઇસર ટ્રક સામસામા અથડાયા હતા. આ અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી એક આઇસર ટ્રકના ચાલક ધીરુભાઈ ભૂંસાભાઈ દેવીપૂજક (ઉ.વ.62, રહે. ઉપલેટા)નું સ્થળ ઉપર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેમની સાથેનો ક્લીનર વિવેકભાઈ વલ્લભભાઈ સોલંકી (ઉ.વ.25) અને સામેના આઇસર ટ્રકના ચાલક રસુલભાઈ દાઉદભાઈ (ઉ.વ.54) ને ગંભીર ઇજા થતાં આ બન્નેને સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન રસુલભાઈ દાઉદભાઈનું પણ મોત નીપજ્યું હતું.

- text

એક આઇસર ટ્રક બટેકા ભરીને ઉપલેટાથી જામનગર તરફ જઈ રહ્યો હતો. જ્યારે બીજો આઇસર ટ્રક પ્લાસ્ટિકના દાણા ભરીને અમદાવાદ તરફથી આવી રહ્યો હતો. આ બન્ને ટ્રક માળીયા પાસે સામસામા અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પોલીસે બન્ને મૃતકોના પીએમ કરવાની તજવીજ હાથ ધરી હતી. તેમજ મૃતકોના પરિવારજનોને પણ જાણ કરી દેવામાં આવી હતી. આ અકસ્માતમાં બન્ને આઇસરચાલકોનો ભોગ લેવાતા બન્નેના પરિવારોમાં અરેરાટી મચી ગઇ હતી.

- text