વાંકાનેર સિવિલ હોસ્પિટલને સરકારે કોરોના કાળમાં ગ્રાન્ટ ન ફાળવી હોવાનો RTI માં ખુલાસો

- text


આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખર્ચ સહિતની બાબતો અંગે માંગી હતી માહિતી

વાંકાનેર : કોરોના મહામારી વચ્ચે સરકારી હોસ્પિટલોની સુવિધા અને ખામીઓ બહાર આવી છે ત્યારે કોરોના કાળમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલને સરકારે કોઈપણ પ્રકારની ગ્રાન્ટ ફાળવી ન હોવાનું માહિતી અધિકારના કાયદા હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં બહાર આવ્યું છે. આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ દ્વારા કોવિડ-19 અંતર્ગત કોવિડ સેન્ટર જ્યારથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારથી લઈને આજદિન સુધીમાં કોવિડ સેન્ટરમાં વાપરવામાં આવેલી ગ્રાન્ટ, ખર્ચની વિગતો માંગવામાં આવી હતી.

વાંકાનેર તાલુકાના ગારિયા ગામે યજ્ઞપુરુષનગરમાં રહેતા અર્જુનસિંહ અનોપસિંહ વાળાએ માહિતી અધિકારના કાયદા હેઠળ વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટરને લગતી માહિતી માંગી સરકાર દ્વારા કોવિડ કેર સેન્ટર માટે કેટલી ગ્રાન્ટ ફાળવી, સ્ટાફની ઘટ, કરાર આધારિત કર્મચારીઓની વિગત સહિતની બાબતો અંગે માહિતી માંગી હતી જેના જવાબમાં હોસ્પિટલના માહિતી અધિકારી દ્વારા Covid-19 અંતર્ગત સરકારી હોસ્પિટલ વાંકાનેરને કોઈ પણ ગ્રાન્ટ ફાળવવામાં આવેલ ન હોવાનો જવાબ આપ્યો હતો.

- text

આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે,તાલુકા કક્ષાની વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં કોરોના મહામારી સમયે દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર માટે આવતા હતા છતાં covid 19 માટે કોઈપણ પ્રકારની વધારાની ગ્રાન્ટ આપવામાં ન આવી હોય તો વાંકાનેરના covid-19 ના દર્દીને કેવી સુવિધા અને સારવાર મળી હશે તે પણ વિચારવા જેવી બાબત છે. જો કે હોસ્પિટલ સંચાલન અને દવા સહિતનો જથ્થો સરકાર તરફથી અપાતો હોય આર.ટી.આઈ. હેઠળ તંત્ર દ્વારા રેમડેસીવીર ઈન્જેક્શનના સવાલનો જવાબ અપાયો ન હતો.

- text