માળીયા-હળવદ હાઇવે ઉપર ડમ્પર ગાંડુ થયું : અનેક વાહનો ઝપટે, પાંચ ઘાયલ

- text


રેતમાફિયા નશાખોર ડમ્પર ચાલકે એક પછી એક ચાર વાહનોને હડફેટે લીધા 

ચરડવાના જાગૃત લોકોએ બેવડાને ઝડપી લીધો

હળવદ : રેતમાફિયાઓ માટે સ્વર્ગ સમાન હળવદ તાલુકામાં હવે પોલીસની ઢીલી નીતિના પાપે ડમ્પર ચાલકો દિવસે પણ નશામાં ચકચૂર બની હાઇવે ઉપર નીકળી પડતા હોવાનો ચોંકાવનારો કિસ્સો આજે સામે આવ્યો છે. જેમાં માળીયા હળવદ હાઇવે ઉપર નશામાં ચકચૂર બનીને ડમ્પર ગાંડુ કરી બેવડાએ એક પછી એક ચાર વાહનોને હડફેટે લઈ પાંચ લોકોને ઘાયલ કરતા ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ આ નશાખોર ડમ્પર ચાલક અકસ્માતોની હારમાળા સર્જી નાસી છૂટ્યા બાદ ચરડવા નજીક ગ્રામજનોએ હિંમત કરીને આ નશાખોરને ઝડપી લીધો હતો.

જાણવા મળતી માહિતી મુજબ આજે બપોરના સમયે હળવદ માળીયા હાઈવે પર આવેલ સુસવાવ, કેદારીયા અને રણજીતગઢના પાટીયા પાસેથી પસાર થતાં હાઇવે ઉપર નશામાં ધૂત ડમ્પર ચાલક બેફામ બન્યો હતો અને હાઈવે પર બે કાર અને છોટા હાથીને અડફેટે લેતા પાંચ જેટલા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ ત્રણેય વાહનોને અડફેટે લઇ ડમ્પર ચાલક મોરબી ચોકડીથી મોરબી તરફ ભાગ્યો હતો.

જોકે, ચરાડવા નજીક પણ એક કારને અડફેટે લેતાઆ નશામાં ધૂત ડમ્પર ચાલકને ચરાડવા બસ સ્ટેશનમાંથી જાગૃત લોકો દ્વારા ઝડપી લેવાયો હોવાનું જાણવા મળ્યું છે.

- text

જ્યારે ડમ્પર ચાલકે હળવદ માળીયા હાઈવે પર ત્રણ વાહનોને અડફેટે લેતા તેમાં સવાર કમલાબા બાલુભા રાણા (રહે. સુરેન્દ્રનગર) અને ઈકબાલભાઈ જમાલભાઈ મોવર, ફિરોજભાઈ (રહે. ધાંગધ્રા) સહિત પાંચ લોકોને ઇજા પહોંચતા તેમને સારવાર માટે 108 ની મદદથી હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

- text