મોરબી : ઉંચા વ્યાજની લાલચ આપી રૂ. 61.21 લાખની ઠગાઈ

- text


મહિલા અને તેના પુત્રોએ ઠગાઈનો ભોગ બન્યા બાદ પરત પૈસા માંગતા ભેજાબાજે ખૂનની ધમકી આપી

મોરબી : મોરબીમાં એક મહિલા અને તેના પુત્રોને એસ.આઇ.પી.સ્કીમમાં નાણા રોકી ઉંચા વ્યાજની લાલચ આપી ભેજાબાજ ઠગે રૂ. ૬૧.ર૧ લાખની છેતરપીંડી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ ઠગાઈનો ભોગ બન્યા બાદ મહિલા અને તેના પુત્રોએ પરત પૈસા માંગતા ભેજાબાજ ઠગે ફોન ઉપર ખૂનની ધમકી આપી હતી. આ બનાવ અંગે મહિલાએ ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text

આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રવાપર ધુનડા રોડ ઉપર ક્રિષ્ના સ્કુલની પાછળ આવેલ શુભ હિલ્સ–એ બ્લોકનં.૧૦૩માં રહેતા રંજનબેન નવલકુમાર ધર્મકાંતભાઇ ઝા (ઉ.વ.૫૧) એ આરોપી નીખીલભાઇ રાજેશભાઇ ચંદારાણા (રહે. મોરબી, યમુનાનગર) સામે ફરિયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીના દીકરા તથા સાહેદોને આરોપીએ વિશ્વાસમાં લઇ એસઆઇપી સ્કીમમાં સારૂ વ્યાજ મળશે તેમ કહી પૈસા રોકવાની લાલચ આપી કટકે કટકે પૈસા લઇ તેમજ આટલા પૈસા બેન્ક ખાતામાં તેમજ રોકડા રખાય નહી ઇન્કમટેક્ષમાં પકડાય જશો તેમ કહી ઇન્કમટેક્ષનો ખોટો ફોન કરાવી ફરીયાદી તેમજ સાહેદોને છેતરી ફરીયાદી તેમજ સાહેદો પાસેથી રોકડ તેમજ આંગડીયા દ્વારા તેમજ બેન્ક દ્રારા પૈસા ટ્રાન્સફર કરાવી લીધા હતા.

આ ભેજા બાજ નિખિલ ચંદારાણાએ કટકે-કટકે રૂ. ૩૧,ર૧,૬૦૦ તથા મકાનના સોદાના રૂ. ૩૦,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૬૧,ર૧,૬૦૦ લઇ જતા ફરીયાદી તથા તેમના દિકરાઓએ આરોપી પાસેથી પૈસાની માગણી કરતા રૂબરૂ તેમજ ફોન ઉપર ગાળો આપી નિખિલે ખુન કરી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે આઇ.પી.સી.કલમ ૪૦૬, ૪૨૦, પ૦૪, પ૦૬ (ર), પ૦૭ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text