રવાપર બેઠક ઉપર કોંગ્રેસનું વાવાઝોડું : હાર્દિક પટેલની જાહેરસભામાં જંગી જનમેદની

- text


તમારા બાળકોને ગુલામ બનાવવા હોય તો જ ભાજપને મત દેજો : ધારાસભ્ય લલિતભાઈ કગથરા

રવાપર જિલ્લા તાલુકા પંચાયતની બેઠક ઉપર નેતા-રાજકારણી નહીં પણ તમારો દિકરો ચૂંટણી લડે છે તેમ સમજી મતદાન કરજો : હાર્દિક પટેલ

મોરબી : મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આડે હવે ફક્ત બે જ દિવસ બાકી છે ત્યારે ગઈકાલે રાત્રે રવાપર ખાતે જિલ્લા-તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલની જાહેરસભા યોજાઈ હતી જેમાં જંગી જનમેદની ઉમટી પડતા ખુરશીઓ પણ ટૂંકી પડી હતી, આ તકે કોંગ્રેસના ટંકારાના ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ મતદારોને કોંગ્રેસને જીત અપાવવા અપીલ કરી જો તમારા બાળકોને ગુલામ બનાવવા હોય તો જ ભાજપને મત આપજો તેમ જણાવ્યું હતું તો હાર્દિક પટેલે સભામંચ ઉપરથી મતદારોને જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા રવાપર બેઠક ઉપર રાજકારણી કે નેતાને નહીં પણ તમારા દિકરા,ભાઈને ટિકિટ આપી છે તેને જીતવાની જવાબદારી તમારી છે તેવું કહેતા જ ઉપસ્થિત જનમેદનીએ વાતને તાળીઓના ગળગળાટથી વધાવી લેતા રવાપર બેઠક ઉપર કોંગ્રેસનું વાવાઝોડું હોવાના સંકેતો મળી રહ્યા છે.

મોરબી જિલ્લા પંચાયતની રવાપર બેઠકના ઉમેદવાર નયનકુમાર લાલજીભાઇ અઘારા તેમજ તાલુકા પંચાયતની રવાપર-1 બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ભાવિકકુમાર નવિનભાઇ ભટાસણા અને રવાપર-2 બેઠકના ઉમેદવાર લલિતભાઇ ચતુરભાઇ કાસુન્દ્રાના સમર્થનમાં ગઈકાલે રવાપર ગામે બહુચરાજી માતાજીના મંદિર ખાતેના ગ્રાઉન્ડમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલની જાહેરસભા યોજવામાં આવી હતી જેમાં જંગી જનમેદની ઉમટી પડી હતી અને કોંગ્રેસના ઉમેદવારોની જીત માટે સંકલ્પ કર્યો હતો.

આ જાહેરસભામાં કોંગ્રેસના ટંકારા મતવિસ્તારના ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરી આ ભાજપ રંગાબિલ્લાનું ભાજપ હોવાનું જણાવી તમારા બાળકોને જો ગુલામ બનવવા હોય તો જ ભજપને મત આપજો કહી ભાજપ રાજમાં શાકભાજીથી લઈ પેટ્રોલ,ડીઝલ,ગેસમાં કમરતોડ ભાવ વધારો થવા છતાં ખેડૂતના દીકરાની ખેત પેદાશમાં ભાવ ન વધ્યા હોવાનું જણાવી 90 દિવસથી આંદોલન ચલાવી રહેલા ખેડૂતોની વાત યાદ અપાવી આ અભિમાની સરકારનું અભિમાન તોડી બતાવવા મતદારોને અપીલ કરી હતી.

- text

દરમિયાન હાર્દિક પટેલે જાહેરમંચ ઉપરથી મતદારોને અપીલ કરતા જણાવ્યું હતું કે રવાપર જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકમાં કોઈ રાજકારણી કે નેતાને નહીં પરંતુ કોંગ્રેસે તમારા માટે દિવસ-રાત દોડે એવા તમારા ભાઈ,દીકરાને ટિકિટ આપી છે હવે તેને જીતાડવાની જવાબદારી તમારી છે તેવું જણાવી પ્રવર્તમાન મોદી સરકારની ઝાટકણી કાઢી હતી, હાર્દિક પટેલે કોંગ્રેસ શાસનમાં 55 રૂપિયે મળતા પેટ્રોલના ભાવ તે સમયે ભાજપને વધારે લગતા હોવાનું અને 5 કે 25 પૈસાનો વધારો થયા તો આંદોલન માટે નીકળી પડતા ભાજપના શાસકોએ આજે પેટ્રોલને 90 રૂપિયા સુધી પહોંચાડી દઈ પ્રજાને લૂંટવાની નીતિ અખત્યાર કરી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.

આ તકે, કોંગ્રેસ અગ્રણી જ્યંતિભાઈ જેરાજભાઈ પટેલે મતદારોને વર્ષ 2015માં જે રીતે કોંગ્રેસને જંગી બહુમતીથી વિજેતા બનાવી એ જ રીતે આ ચૂંટણીમાં પણ કોંગ્રેસને સાથ આપવા જણાવ્યું હતું.ઉપરાંત કોંગ્રેસ અગ્રણી મનોજ પનારાએ પણ મતદારોને કોંગ્રેસ તરફી ભારે મતદાન કરવા અપીલ કરી હતી.

 

- text