મોરબીમાં શિક્ષણ વિભાગ આયોજિત રક્તદાન કેમ્પમાં 571 બોટલ રક્ત એકઠું થયું

- text


શિક્ષકોના તમામ સંગઠનો, શૈક્ષણિક સંસ્થાઓ રક્તદાન કેમ્પમાં જોડાયા

મોરબી : કોરોના કાળમાં રક્તદાન ઓછું થવાના લીધે રક્તની માંગ ખુબ જ વધી ગઈ છે. મોરબી જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક અને સ્વનિર્ભર શાળાના શિક્ષકોએ 571 જેટલી બોટલનું રક્તદાન કરી સમાજ સેવાનું કાર્ય કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના તમામ સંગઠનોએ જરૂરી સહયોગ પૂરો પાડ્યો હતો. કેમ્પમાં રક્તદાન કરનાર તમામને પ્રવિણભાઇ સોરીયા (ક્રેઝ લેમીનેટ્સ) તરફથી દીવાલ ઘડિયાળ આપવામાં આવી હતી. તેમજ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા પ્રમાણપત્ર, ફોલ્ડર તેમજ કેમ્પ માટેના બેનરનો ખર્ચ ઉઠાવવામાં આવ્યો હતો. અને ડો. જયદિપ કાચરોલા (અર્પણ હોસ્પિટલ-મોરબી) તરફથી થેલી આપવામાં આવેલ હતી. તેમજ તમામ રક્તદાતાઓ માટે ચા-કોફી અને બિસ્કિટનો ખર્ચ ભગવાનભાઈ કુંભરવડીયા (પ્રમુખ, ઉચ્ચત્તર માધ્યમિક સંઘ) તરફથી આપવામાં આવેલ હતો.

આ કેમ્પમાં બ્રિજેશભાઈ મેરજા (ધારાસભ્ય, મોરબી-માળીયા), પરાગ ભગદે (જિલ્લા વિકાસ અધિકારી, મોરબી), કડવા પાટીદાર કેળવણી મંડળના સંચાલક ટ્રસ્ટી વલમજીભાઈ અમૃતિયા, બેચરભાઈ હોથી ઉપસ્થિત રહ્યા હતા. અને શિક્ષણ વિભાગને કોરોના કાળમાં કેમ્પ યોજી સેવા કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. કેમ્પને સફળ બનાવવા તાલુકા જિલ્લાના તમામ સંગઠનો અને શિક્ષકોએ ખુબ જ જહેમત ઉઠાવી હતી.

- text

- text