હળવદ પંથકમાં ગૌવંશ પર લગાતાર હુમલા, હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગ

- text


ગૌવંશ ઉપર અમાનુષી અત્યાચારના વધતા બનાવો મામલે ગૌપ્રેમી સંસ્થાએ હળવદ પીઆઇને આવેદનપત્ર આપ્યું

હળવદ : હળવદ પંથક ગૌવંશ ઉપર હુમલાઓ માટે કુખ્યાત બની ગયું હોય એમ આ અબોલ પશુઓ ઉપર લગાતાર હુમલાના બનાવો સામે આવી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી ગૌવંશ ઉપર હુમલાના બનાવો રોજિંદા બન્યા છે અને નરાધમો બેખોફ બનીને પશુઓને પણ શરમાવે તેવા અધમ પાશવી કૃત્ય આચરી રહ્યા છે. હળવદમાં વધતા જતા ગૌવંશ ઉપર હુમલાના બનાવોને લઈને ગૌપ્રેમી સંસ્થાએ હળવદ પીઆઇને આવેદનપત્ર આપ્યું છે અને હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

હળવદ પંથકમાં અંધ, અપંગ, બીમાર અને ઘાયલ ગૌમાતાઓની સેવા કરતા અને હળવદ શહેરમાં આવેલ શ્રી રામ સેવા ટ્રસ્ટે હળવદ પોલીસ મથકના પીઆઇને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ગૌવંશને ટાર્ગેટ કરીને આ અબોલ પશુઓ ઉપર હુમલાઓ કરવામાં આવે છે. છેલ્લા એક અઠવાડિયાથી ગૌવંશ ઉપર હુમલાઓના બનાવો રોજિંદા બન્યા હોય એમ દિવસ ઉગેને કોઈને કોઈ સ્થળે ગૌવંશ ઉપર હુમલાની ઘટના સામે આવે છે.

- text

કોઈ ગ્રામ્ય વિસ્તારોમાં ગૌવંશ ઉપર એસિડ એટેક કે તીક્ષ્ણ હિથયારોથી ઘાતકી હુમલો તો કોઈ જગ્યાએ ગૌવંશને ઝેરી પદાર્થ ખવડાવીને મોતને ઘાટ ઉતારી દેવાય છે. જાણે નરાધમોને પોલીસ કે કાયદાનો કશો જ ડર ન હોય તે રીતે અબોલ પશુઓ ઉપર અમાનવીય કૃત્ય આચરી રહ્યા છે. જો કે કોઈ સ્થળે હુમલામાં ધવાયેલા ગૌવંશ હોવાની જાણકારી મળે તો આ સંસ્થા તેની એમ્બ્યુલન્સ મોકલીને ઘાયલ પશુઓને સંસ્થામાં લઈ આવીને સારવાર કરે છે. હળવદ પંથકમાં આવી રીતે ગૌવંશ ઉપર નિર્દયતાથી હુમલાઓની ઘટનાઓથી ગૌપ્રેમીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આથી, આવા દોષિત હુમલાખોરોને તાકીદે ઝડપી લઈને કાયદાનું ભાન કરાવે તેવી માંગણી ઉઠાવી છે.

- text