માળીયા (મી.)માં ખેડાણ જમીનની આજુબાજુ ગેરકાયદેસર થતા લુઝ મીઠાના ઢગલા અટકાવવા રજૂઆત

- text


મીઠાના ક્ષારના કારણે જમીન બિનઉપજાઉ બની જતી હોવાની રાવ

માળીયા (મી.) : માળીયા મીયાણાના ખેડૂતોની ખેતીની જમીન આસપાસ ગેરકાયદેસર રીતે થતા લુઝ મીઠાના ઢગલા અટકાવવા બાબતે ખેડૂતો વતી અહેમદભાઈ જેડાએ મામલતદારને લેખિત રજૂઆત કરી છે.

આ લેખિત રજૂઆત અનુસાર માળીયા મીયાણાના રેલવે વિસ્તાર તથા હાલમાં નવા બનાવેલ પ્રાયવેટ કંપનીના ખુલ્લા પ્લોટમાં મીઠાના ઉદ્યોગપતિઓ અને ખાનગી કંપની દ્વારા લુઝ મીઠાનો સ્ટોક કરવા માટે હજારો ટન લુઝ મીઠું ખેડાણ જમીનની આજુબાજુ ઠાલવવામાં આવી રહ્યું છે. આથી, મીઠાના રેચ અને ક્ષારના કારણે જમીન બીનઉપજાઉ અને ખારી બની જાય છે. તેમજ મચ્છુ નદીના પાણીમાં ક્ષાર ભળતું હોવાથી નદી પ્રદુક્ષીત થાય છે. અને નદીનું પાણી ખારું થઇ જાય છે. જેથી, નદીની આસપાસની જમીનોમાં વાવેલ શીયાળુ પાકને પાણી ના આપી શકવાને લીધે પાક નિષ્ફળ જશે. આ ઉપરાંત, ખેડુતો ખેતીની સાથે સાથે પશુપાલન પણ કરે છે. પશુઓને પીવા માટે મચ્છુ નદીનું પાણી આપવામાં આવે છે. પરંતુ લુઝ મીઠાના કારણે નદીનું પાણી પીવાલાયક રહેતું નથી.

- text

આ પ્રશ્ન બાબતે માળીયા મીયાણાના ખેડૂત આગેવાન સ્વ. ઇસ્માઇલભાઈ જીવાભાઈ જેઠા અને સતારભાઈ કટીયાએ નાયબ કલેક્ટર-મોરબી અને ગુજરાત હાઈકોર્ટ પાસેથી લુઝ મીઠું ઠાલવવા માટેની મનાઈનો હુકમ પણ લાવેલ હતા. જેની અમલવારી જે તે સમયે અને વર્ષ 2007 પછી માળીયા મીયાણાના રણ કાંઠે આવેલ પાળાની બહાર કરાઈ હતી. આથી, લુઝ મીઠાના ઢગલા કરવામાં આવતા નહતા. પરંતુ હાલ આ કંપની અને સ્થાનીક ઉદ્યોગપતિઓ દ્વારા ગુજરાત હાઇકોર્ટ અને નાયબ કલેકટરના હુકમોની અવગણના કરવામાં આવી રહી છે. ત્યારે લુઝ મીઠાના ઢગલાઓને તાત્કાલીક ધોરણે અટકાવવામાં આવે અને હાલમાં જે લુઝ મીઠું ગેરકાયદેસર રાખેલ છે તે તાતકાલીક ઉપાડી લેવામાં આવે તે માટે કાયદેસરની કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે.

- text