મહેન્દ્રગઢ-દેરાળા રોડ પર ચાલતા રેતીના ઓવરલોડ વાહનો સામે કડક કાર્યવાહીની માંગ

- text


માળીયા (મી.) : મહેન્દ્રગઢ-દેરાળા રોડ પર ચાલતા રેતીના ઓવરલોડ વાહનો અંગે જરૂરી કાર્યવાહી કરવા બાબતે સમરસ ગ્રામ પંચાયત દ્વારા ખાણ ખનીજ વિભાગની કચેરી – મોરબીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે મહેન્દ્રગઢ-દેરાળા રોડ પર મહેન્દ્રગઢની પાસેનું નાલુ જર્જરિત હાલતમાં છે. જ્યાં મોરબી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગએ ભારે વાહન માટે પ્રતિબંધિત કરી તેવી સૂચનાનું બોર્ડ મુકેલ છે. આમ છતાં નારણકા ગામ પાસેથી નદીમાંથી 30-40 ટનથી વધુ ભરેલા ઓવરલોડ ટ્રકો મોટી સંખ્યામાં પરિવહન કરી રહ્યા છે. ગ્રામજનો આવા ટ્રકોને રોકે ત્યારે ટ્રકચાલકો રોફ જમાવીને કહે છે કે અમારી પાસે લીઝ છે તથા અમને ઓવરલોડિંગ સાથે આ જ રસ્તે ચાલવાની મંજુરી મળેલ છે. જેના કારણે ગામજનોને માથાભારે લોકો સાથે વારંવાર ઘર્ષણ થવાના બનાવો બને છે.

- text

આ બાબતે કોઈ એક જ રસ્તાને નુકસાન પહોંચાડવાના હેતુથી તંત્રનું ધંધાર્થીઓને સમર્થન કે મંજૂરી હોવી એ શંકાસ્પદ હોય. આથી, આ બાબતે સત્વરે ચકાસણી કરી જરૂરી કડક કાર્યવાહી કરી ઓવરલોડિંગ બંધ કરાવવા અપીલ કરવામાં આવી છે. આ બાબતમાં તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉપવાસ આંદોલન રસ્તા પર શરૂ કરી જાહેર હિતમાં કોર્ટનો આશરો લેવો પડશે. આ અંગે સત્વરે કાર્યવાહી હાથ ધરી લીઝધારકોને અન્ય રસ્તો ફાળવવા યોગ્ય પગલાં ભરવા ગામની જનતા વતી વિનંતી કરાઈ છે.

- text