ત્રાજપર-લાલપર વચ્ચેના સર્વિસરોડની અવદશાથી વાહનચાલકોને ભારે પરેશાની

- text


સીરામીક એસોસિએશનની ઓફીસ નજીક બિસ્માર બનેલા માર્ગને લઈને લોકોમાં પ્રવર્તતી નારાજગી: વાહનચાલકોની પરેશાની જોઈને સીરામીક એસોસિએશને તંત્રની બેદરકારીને વખોડી

મોરબી : ગુજરાતના દરેક જિલ્લાઓમાં નિયમિત ફરતા નવ્યવસાયધારકો, સેલ્સમેનો, પ્રવાસીઓ પાસે મોરબીના રોડ-રસ્તાઓ માટે એક સમાન અભિપ્રાય હોય છે કે, સૌથી ભંગાર રસ્તાઓ એક સમયે સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતા મોરબી શહેરમાં છે. ઉધોગ અને શૈક્ષણિક ક્ષેત્રે કાઠું કાઢી ગયેલા મોરબી શહેરની આવી અવદશા અગાઉ ક્યારેય જોવા મળી નથી એવું વર્ષોથી મોરબી સાથે જોડાયેલા નાગરિકો અનુભવી રહ્યા છે.

મોરબીના હાર્દ સમાન એવા સીરામીક ઉદ્યોગ એસોસિએશનની ઓફીસ જે જગ્યાએ આવેલી છે ત્યાં નજીકમાં જ સ્થિત સર્વિસરોડની હાલત છેવાડાના વિસ્તારોમાં રહેલા ગામડાના ગાડામાર્ગ કરતા પણ બદતર થઈ ગઈ છે. રાજ્યને સૌથી વધુ ટેક્સ રળી આપતાં શહેરની આ અવદશા સામે જોવા માટે સ્થાનીય કે રાજ્યના નેતાઓને ફુરસદ નથી.

સીરામીક એસોસિએશનની ઓફીસ નજીક ઘણાબધા વાણિજ્ય કોમ્પ્લેક્ષ આવેલા છે. જ્યાં રોજના હજારો વેપારીઓ, ઉધોગકારો, ખરીદારો, દેશભરમાંથી આવતા સેલ્સમેનોની ભારે અવરજવર રહે છે. આ તમામ લોકો મસમોટા ખાડાવાળા સર્વિસરોડની અવદશા જોઈ નિસાસા નાંખી રહ્યા છે. સ્થાનીય તંત્ર કે નેશનલ માર્ગનું સંચાલન કરતા તંત્રની હદમાં આ વિસ્તાર આવતો જ ન હોય એમ સૌ આ માર્ગની દુર્દશા પરત્વે વિમુખ થઈ થઈ ગયા છે એવું નાગરિકો અનુભવી રહ્યા છે.

ત્રાજપરથી લાલપર સુધીનો સર્વિસ રોડ અતિ ભંગાર હાલતમાં ફેરવાઈ ગયો છે ત્યારે લોકોના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે, આ માર્ગ પર સૌથી વધુ ટોલટેક્સ ઉઘરાવવામાં આવે છે. ત્યારે આ માર્ગની આવી દુર્દશા માટે જવાબદાર અધિકારીઓ સામે તંત્ર કેમ મૌન છે? સીરામીક એસોસીએશનની ઓફીસ નજીક બારેમાસ પાણી ભરાવવાની સમસ્યાનું નિરાકરણ લાવવામાં તંત્રવાહકો બિલકુલ નિષ્ફળ ગયા છે. ખાસ કરીને ચોમાસા દરમ્યાન અહીંથી પસાર થવું એ મોતને હાથતાળી આપીને પસાર થવા બરોબર છે એવું નિયમિત આ માર્ગનો ઉપયોગ કરનારા નાગરિકો જણાવી રહ્યા છે.

ત્રાજપરથી આ સ્થળ સુધી ખરાબ માર્ગને કારણે વાહનચાલકો તેની નિર્ધારિત ગતિ કરતા ખૂબ ધીમી ગતિએ પસાર થતા હોવાથી પિક અવર્સ દરમ્યાન ટ્રાફિકજામની સ્થિતિ કાયમી બની છે. મસમોટા ખાડાઓમાં ભરાયેલા રહેતા પાણીને લઈને અજાણ્યા વાહનચાલકોને ખાડાની ઊંડાઈનો બિલકુલ ક્યાસ ન રહેતા દિવસ દરમ્યાન ઘણા વાહનચાલકોના વ્હિલ પર બોજો આવતા વ્હિલ નીકળી જવા જેવી અને વાહનોમાં નુકશાની જવાની સ્થિતિ નિષ્પન થાય છે. નેશનલ હાઇવે ઓથોરિટી આ સંદર્ભે વાહનચાલકોના વાહનોની અધોગતિ નિવારવા તત્કાળ આ સર્વિસરોડને ગાડામાર્ગની પરિભાષામાંથી મુક્ત કરાવી નેશનલ હાઈવેની પરિભાષામાં આવે એવો બનાવે એવી લોક માંગણી પ્રબળ બની રહી છે.

આ માર્ગ પર આવેલા ટોલનાકાનાની ત્રીસ કિલોમીટરના વિસ્તારમાં બન્ને તરફ સર્વિસરોડની દુર્દશા જોઈ-અનુભવી રહેલા સ્થાનિકો, અન્ય રાજ્યમાંથી આવતા વાહનચાલકો તેમજ સીરામીક એસોસિએશનના હોદ્દેદારો-સભ્યો ખૂબ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે, જવાબદાર તંત્ર નજીકના ભવિષ્યમાં જાગશે કે કોઈ મોટા અકસ્માત બાદ દોડી આવશે એ દિશામાં વિચારીને લોકો આશંકીત થઈ રહ્યા છે.

- text

- text