ટંકારા : સાવડી ગામે પિતા વિહોણી પુત્રી પર દુષ્કર્મ મામલે મોરબી જિલ્લા માલધારી સેનાએ કરી ત્વરિત ન્યાયની માંગ

- text


બે આવારા શખ્સોએ અપહરણ કરી એક નરાધમે આચર્યું હતું તરૂણી પર દુષ્કર્મ : ઝડપાયેલા બન્ને આરોપીઓ સામે કાયદાનો સખ્ત ગાળીઓ કસવા મોરબી જિલ્લા માલધારી સેનાની ઉગ્ર માંગ

ટંકારા : પોકસો અને ગુજસીટોક સહિતના કાયદાઓ અસ્તિત્વમાં હોવા છતાં મહિલાઓ, યુવતીઓ, સગીરાઓ ગુજરાતમાં સલામત નથી રહી એવુ સાબિત કરતા બનાવો છાસવારે સામે આવતા રહે છે. તાજેતરમાં ધ્રોલ ખાતે એક મહિલા પર થયેલા દુષ્કર્મની શ્યાહી હજી સુકાઈ નથી ત્યાં ટંકારાના સાવડી ગામે પિતા વિહોણી એક તરૂણી પર એક શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાનો અને અન્ય એકે તેમાં મદદગારી કરી હોવાનો ધૃણાસ્પદ બનાવ સામે આવતા લોકોમાં તંત્રની ગુન્હેગારો પરની ઢીલી પડેલી પકડની નિંદા થઈ રહી છે.

- text

ટંકારા તાબેના સાવડી ગામે પિતા વિહોણી તરુણ પુત્રીનું બદકામના ઇરાદે અપહરણ કરી એક શખ્સે તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે અન્ય એક શખ્સે તેની મદદગારી કરી હતી. પોલીસે બન્ને આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા છે ત્યારે મોરબી જિલ્લા માલધારી સેના દ્વારા માંગ કરવામાં આવી છે કે બન્ને કસુરવારોને સખ્તમાં સખ્ત સજા આપવામાં આવે.

ગુજરાત, સૌરાષ્ટ્રમાં બહેન-દીકરીઓ સલામત નથી એવું દરેક વાલીઓને વારંવાર બનતા આવા બનાવોથી લાગી રહ્યું છે. નારી સુરક્ષાની વાતો, નારી સ્વતંત્રતાની ગુલબાંગો વચ્ચે નિયમિત સમયાંતરે બનતા રહેતા છેડતી, દુષ્કર્મ સહિતના બનાવોને મોરબી જિલ્લા માલધારી સેનાએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યા છે અને આવા લુખ્ખાઓ સામે સખ્ત રીતે કાયદાકીય કાર્યવાહી કરી મહિલાઓમાં ઉભી થયેલી અસલામતીની ભાવનાને દૂર કરવા માંગણી કરી છે.

 

- text