ભારે રસાકસી બાદ મોરબીમાં ભાજપનો ભગવો લહેરાયો

- text


4688 મતની લીડથી ભાજપનો ભવ્ય વિજય 

શરૂઆતના મત ગણતરી રાઉન્ડમાં કોંગ્રેસ આગળ રહ્યા બાદ ભાજપે કાપેલી લીડને કોંગ્રેસ ન આંબી શક્યું : છેલ્લા રાઉન્ડ સુધીમાં ભાજપને 64591 અને કોંગ્રેસને 59903 મતો મળ્યા 

મોરબી : 65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભારે રસાકસીના અંતે આખરે ભાજપનો ભવ્ય વિજય થતા કાર્યકરો અને સ્થાનીય નેતાઓએ વિજયની ઉજવણી શરૂ કરી દીધી છે.

શરૂઆતમાં 10 રાઉન્ડ સુધી કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ પટેલ આગળ રહ્યા બાદ ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ લીડ કાપવાની શરૂઆત કરી હતી. જે ધીમે ધીમે વધતી જતા છેલ્લા રાઉન્ડ સુધી થોડા ચડાવ ઉતાર સાથે અવિરત જળવાઈ રહી હતી. 34માં રાઉન્ડના અંતે ભાજપને 64591 મત તો કોંગ્રેસને 59903 મતો મળતા ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ 4688 મતની સરસાઈથી વિજય મેળવ્યો હતો.

ભાજપનું વિજય સરઘસ મોરબીના સામા કાંઠે સર્કિટ હાઉસ ચોકથી શરૂ થઈ, મહારાણા પ્રતાપ ચોક, નટરાજ ફાટકથી પુલ પર આગળ વધી મણીમંદિર, વિશિપરા ફાટક, ગેસ્ટહાઉસ રોડથી શહેરના મુખ્ય માર્ગો પર ફરી રવાપર રોડ પરથી પસાર થતા બાપાસીતારામ ચોકથી નવા બસ સ્ટેન્ડ સ્થિત ભાજપના કાર્યાલય સુધી જશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં તમામ 8 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી કમલમ ખાતે પહોંચી ગયા છે અને વિજય પતાકા લહેરાવવામાં ફાળો આપનાર તમામ મતદારો અને મહેનત કરનાર તમામ નાના-મોટા કાર્યકરોનો આભાર વ્યક્ત કરશે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text