માટેલ ધામને લાગ્યું કોરોનાનું ગ્રહણ : ભાવિકોની પાંખી હાજરી, નવરાત્રી મહોત્સવ પણ મોકૂફ

- text


માટેલ ધામમાં પૂજા-પાઠ અને ફુલહારની 45 દુકાનોનો વેપાર બંધ : માટેલ ધામમાં ભાવિકો વધુ આવે તો વેપાર ધંધા ધમધમે

મોરબી : સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને જ્યાં આઈશ્રી ખોડિયાર માતાજીના સાક્ષાત બેસણા છે, તે માટેલ ધામ મંદિરને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. માટેલ ધામ ખુલ્લું છે. પણ ભાવિકો વિના માટેલ ધામ સુમસામ બની ગયું છે. જ્યાં દરરોજ હજારો ભાવિકો ઉમટી પડતા ત્યાં દરરોજ 300ની આસપાસ જ ભાવિકો દર્શનાર્થે આવે છે. આથી, માટેલ ધામના વેપાર ધંધા ઠપ્પ થઈ ગયા છે.

લોકડાઉનમાં બંધ રહ્યા બાદ સરકારની ગાઈડ લાઈન અનુસાર માટેલ ધામ ભાવિકોના દર્શનાર્થે ખુલ્લું મુકવામાં આવ્યું છે. પણ કોરોના કાળને કારણે ચુસ્ત નિયમોની અમલવારી થતી હોવાથી આ મંદિર ખુલ્લું હોવા છતાં બંધ હોય એવી જ હાલત છે. પહેલા માટેલ ધામમાં સૌરાષ્ટ્રભરના હજારો લોકો દરરોજ ઉમટી પડતા. તેમાંય પૂનમ, રવિવારે અને તહેવારોમાં અહીં માનવ મહેરામણ ઉમટી પડતો એની જગ્યાએ હવે ખોડિયાર મંદિરમાં દરરોજ 300ની આસપાસ લોકો જ દર્શને આવે છે. જ્યારે પૂનમ અને રવિવારે પાંચ હજારથી વધુ લોકો આવતા એની જગ્યાએ હાલ 2 હજાર જેટલા જ લોકો આવે છે. આથી, ભાવિકોની ભીડ ઓછી થઈ છે. જેથી, માટેલ ધામમાં પૂજા પાઠ અને ફુલહાર સહિતની સામગ્રીની 45 જેટલી દુકાનોના ધંધા રોજગાર બંધ થઈ ગયા છે.

હવે રાત્રી 8 વાગ્યા સુધી જ મંદિર ખુલ્લું

પહેલા માટેલ ધામ ભાવિકોને દર્શન માટે રાત્રીના 9-10 વાગ્યા સુધી ખુલ્લું રહેતું હતું. હવે માટેલ ધામ રાત્રીના 8 વાગ્યા સુધી જ ખુલ્લું રાખવામાં આવે છે. અને કોરોનાની ગાઈડ લાઈનનો ચુસ્ત અમલ કરવામાં આવે છે. ભાવિકોને દૂરથી માતાજીના દર્શન કરવા દેવાય છે. મંદિરમાં પટાંગણમાં પ્રવેશ કરવા દેવાતો નથી.

માસ્ક પહેર્યા હોય એને જ દર્શનની છૂટ, સેનિટાઈઝરનો ઉપયોગ પણ ફરજીયાત

માટેલ ધામમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સરકારની તમામ ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. ખાસ કરીને માસ્ક પહેર્યા હોય એને જ દર્શનની છૂટ આપવામાં આવે છે. તેમજ સેનિટાઈઝરનો ઉપયોગ પણ ફરજીયાત કરવામાં આવે છે. મંદિરનો દરવાજો પણ અડધો જ ખુલ્લો રખાયો છે.

- text

અન્નક્ષેત્ર, રહેવા જમવા અને પ્રસાદની વ્યવસ્થા બંધ

માટેલ મંદિરમાં વર્ષોથી બહારથી આવતા ભાવિકો માટે અન્નક્ષેત્ર અને રહેવા તથા જમવાની સુવિધાઓ છે. તેમજ પ્રસાદ પણ આપવામાં આવે છે. પણ હાલ કોરોનાને કારણે મંદિરમાં અન્નક્ષેત્રે તેમજ રહેવા તથા જમવાની વ્યવસ્થા બંધ કરી દેવામાં આવી છે. આથી, ભાવિકો માત્ર ઘડી બે ઘડી માતાજીના દર્શન કરીને નીકળી જવાનું રહે છે. પહેલા જે ભાવિકો માટેલ મંદિરમાં રાત્રી રોકાણ કે આખો દિવસ રોકતા એમાં ઘણો જ ફરક પડી ગયો છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text