પાક નુકશાની સર્વે, નબળા રોડ સહિતના મામલે મોરબી જિલ્લા પંચાયતના સભ્યોએ સામાન્ય સભા ગજવી

- text


પાંચ વર્ષ દરમિયાન સભ્યોએ અધિકારીઓની કામગીરીથી અણગમો વ્યક્ત કર્યો

મોરબી : રાજયભરમાં હાલ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓના ભણકારા વાગી રહ્યા છે. આગામી 2થી 3 મહિના બાદ સ્થાનિક સ્વરાજની 5 વર્ષની મૂદત પૂર્ણ થવા જઈ રહી છે. આવા સમયે મોરબી જિલ્લા પંચાયતની અંતિમ સામાન્ય સભા જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલિયા, ડીડીઓ પરાગ ભગદેવ ડે. ડીડીઓ ઇલાબેન ગોહિલ, ડે.ડીડીઓ વસૈયા અને શાખા અધિકારીનીં હાજરીમાં મળી હતી.

તાજેતરમાં થયેલા ભારે વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં થયેલ ભારે વરસાદથી પાકને મોટા પાયે નુકશાન થયું હતું. જે અંગે હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે. જો કે આ અંગે કામગીરીમાં પોલમપોલ ચાલી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં તલાટી મંત્રી તેમજ ખેતીવાડીના અધિકારી સ્થળ પર જતા નથી. માત્ર ગ્રામ સેવક આધારે સર્વે કરવામાં આવી રહ્યો છે. તેમાં પણ એક ગ્રામ સેવક પાસે 10થી વધુ ગામના સર્વે કરવામાં આવે છે. જેથી, ગુણવતા મુજબ કામગીરી થતી નથી હોવાનો સભ્યોએ આક્ષેપ કર્યો હતો.

આ ઉપરાંત, ખેડુતને ઓનલાઈન એન્ટ્રી કરવા અંગેની બાબતે પણ નારાજગી વ્યક્ત કરી હતી. તો બીજી તરફ જિલ્લા પંચાયત હસ્તકના રોડ રસ્તાઓ અત્યંત બીસ્માર હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં તંત્ર પ્રત્યે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. જાહેર બાંધકામના મકાન પણ જર્જરિત હોવાથી આકસ્મિક રીતે પડી જવાથી જાનમાલના નુકશાનની ભીતિ સેવી હતી.તેમજ હાલ કોરોના મહામારી સમયમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા પીએચસી, સીએચસીમા પૂરતા તબીબ ન હોવાની ફરિયાદ ઉઠી હતી. એક તરફ આરોગ્ય વિભાગ લોકોને ઘરની આસપાસ સફાઈ રાખવાની સલાહ આપતા હોય છે. જયારે બીજી તરફ આરોગ્ય કેન્દ્રની આસપાસ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઠેરઠેર ગંદકી હોવાનો આક્ષેપ કર્યો હતો. તમામ સભ્યોએ અધિકારીઓનો રીતસર ઉધડો લઇ લીધો હતો.

- text

સભ્યોએ આક્ષેપ કર્યા હતા કે જિલ્લા પંચાયતમાં પ્રજાએ મત આપી કોંગ્રેસને સતા આપી હતી. જેથી, ભાજપ સરકારના પેટમાં તેલ રેડાયું હોય, તેમ 5 વર્ષ દરમિયાન મોટા ભાગની શાખા ખાસ કરીને કૃષિ, રોડ અને બાંધકામ વિભાગ તેમજ આરોગ્યમાં કામગીરી થાય તેવા અધિકારી મુકયા ન હતા અને અથવા સરકારના રિમોર્ટ કન્ટ્રોલ બની કામગીરી કરી નહતી. જેના કારણે પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે. આજની સામાન્ય સભામાં જૂની સભાને, ઠરાવને સમિતિઓની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામા આવી હતી.

આ ઉપરાંત, ગ્રામ યોદ્ધા સમિતિના સભયોની સાધન સામગ્રી ખરીદવા તેમજ રિવાઇઝ બજેટને મંજૂરી આપવામાં આવી હતી. તો રેતી રોયલ્ટીની ગ્રાન્ટના વિકાસ કામ ગ્રાન્ટ આવ્યા બાદ કામગીરી કરવા જણાવ્યું હતું. વાંકાનેરના ખેરવા ગામને રાજકોટ જિલ્લા પંચાયતમાં સમાવેશ કરવા અંગેની સંમતી આપવાં બહુમતી ના મંજુર કરી હતી. આ ઉપરાંત, ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ ની વાર્ષિક ફી ચૂકવવા અને જિલ્લા પંચાયત તરફથી અનુદાન આપવાને મંજુરી આપવામાં આવી હતી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text