માળીયાના કુંભારીયા ગામે પાકની નુકશાનીના સર્વેનો ગ્રામજનો દ્વારા વિરોધ

- text


કપાસના પાકના નુકશાનને સર્વેમાં ન ગણતા ગ્રામજનો વિફર્યા, અણઘડ રીતે સર્વે ન કરવા દેવાની ગ્રામજનોની ચીમકી

મોરબી : મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિથી ખેતીના પાકોના નુકશાન માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા 50 સર્વે ટીમોની રચના કરીને જિલ્લામાં ખેતીના પાકોની નુકશાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. પરંતુ માળીયાના કુંભારીયા ગામે પાકની નુકશાનીના સર્વેનો ગ્રામજનોએ બહિષ્કાર કરીને સર્વેની કામગીરી અટકાવી હોવાનું સામે આવ્યું છે. ગ્રામજનોના કહેવા અનુસાર કપાસના પાકના નુકશાનને સર્વેમાં ન ગણતા આ સર્વે અટકાવીને હવે અણઘડ રીતે સર્વે કરવા જ નહીં દેવાય તેવી ચીમકી આપી છે.

- text

કુંભારીયા ગામના સરપંચ કાંતિભાઈ દેત્રોજાએ જણાવ્યું હતું કે પાકની નુકશાનીનો અણઘડ રીતે સર્વે કરતા ગ્રામજનોએ આ સર્વેનો બેહિષ્કાર કર્યો હતો. સર્વે ટીમ સાવ પાક નિષ્ફળ ગયો હોય એનો જ સર્વે કરે છે. જ્યારે અમારા ગામમાં ખેતરોમાં કપાસના પાકનો પાક એટલી હદે બળી ગયો છે કે ખાલી કપાસના પાંદડા જ બચ્યા છે. જે પણ થોડા સમયમાં ખરી જશે. આમ છતાં આ સર્વે ટીમ કપાસના પાકને ગણતા જ નથી. તલીના પાકનો જ સર્વે કરે છે. તલી કરતા કપાસના પાકને 90 ટકા નુકશાન થયું છે. આશરે 2 હજાર વિધમાં 70 ટકા કપાસનું વાવેતર થયું હતું. તલી માત્ર 100 કે 200 વિધામાં છે. આમ છતાં કપાસના પાકને સર્વેમાં ન આવરી લેતા ગ્રામજનો રોષે ભરાયા હતા અને સર્વેનો વિરોધ કરી જિલ્લા ખેતીવાડી અધિકારીને આ અંગે ફોન ઉપર ફરિયાદ પણ કરી હતી. જો કે 115 ખેડૂતોના ખેતરમાં સર્વે કરીને નુકશાની માટે માત્ર 9 ખેડૂતોને ગણ્યા છે. બાકીનાને 10 ટકા નુકશાનીમાં ગણ્યા છે. ગામમાં 465 જેટલા ખેડૂતો છે. જેમનો મોટા ભાગનો પાકનો નાશ થયો હોવા છતાં સર્વેના નામે તુર્ત જ ચાલતા તમામ ખેડૂતોએ ભેગા થઈને આ સર્વેનો વિરોધ કરીને હવે લોલમલોલ રીતે સર્વે નહિ કરવા દેવાનું પણ જણાવ્યું હતું.

- text