વેગડવાવ ગામે પાણીનું વહેણ બંધ કરી દેવાતા ખેતરોમાં પાણી ભરાયા!

- text


ખેડૂતો દ્વારા પસાર થતી પેટા કેનાલને પણ બંધ કરી દેવાઈ, જેથી ઉપરવાસનું પાણી ખેતરમાં ભરાતા મોટી નુકશાની થવાની ભીતિ

હળવદ : હળવદ તાલુકાના વેગડવાવ ગામની સીમમાં આવેલ જનકભાઈની વાડી પાસેથી કુદરતી વહેણ પસાર થાય છે. જો કે આ વહેણમાંથી નર્મદાની પેટા કેનાલ પણ પસાર થતી હોય, જેથી ચારેક જેટલા અન્ય ખેડૂતો દ્વારા ગેરકાયદેસર પેટા કેનાલને તોડી તેને બુરી નાખવામાં આવી છે અને વહેણમાં જતા પાણી આડો માટીનો પારો બાંધી દેવાતાં પાણી જનકભાઈના ખેતરમાંથી પસાર થાય છે. જેથી, ખેતરમાં ઢીંચણ સમા પાણી ભરાઈ જાય છે. જેને કારણે હાલ કપાસ અને મગફળીનો પાક બળી જવાની દહેશત સર્જાઇ છે.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ઈશનપુર ગામે રહેતા જનકભાઈ દલવાડી ની વાડી વેગડવાવ ગામની સીમમાં આવેલી છે. જેઓની વાડીની બાજુમાંથી એક કુદરતી પાણીના નિકાલ માટેનું વહેણ પસાર થતું હોય. જો કે આ વહેણમાંથી શક્તિ નગરથી માલણીયાદ સુધીની એક પેટા કેનાલ પણ પસાર થાય છે. જેથી, આજુબાજુના ચારેક જેટલા ખેડૂતોએ આ પેટા કેનાલને તોડી નાખી તેને માટીથી બૂરી દેવામાં આવી છે અને જ્યાં કુદરતી પાણીનું વહેણ છે, તેને આડો માટીનો પારો બાંધી દેવાતા ઉપરવાસમાંથી આવતું પાણી જનકભાઈની વાડીમાંથી પસાર થાય છે અને ભરાઈ જાય છે. જેને કારણે હાલ વાડીમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે. જેથી વાડીમાં રહેલ કપાસ અને મગફળીનો પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઇ છે.

- text

જો કે અગાઉ નર્મદાના અધિકારીઓ દ્વારા કેનાલ તોડી નાખવાને લઇ બે જેટલા ખેડૂત વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં જનકભાઈએ જણાવ્યું હતું કે આ જે વહેણ છે તેને બંધ કરી દેવાતા પાણી અમારી વાડીમાંથી પસાર થાય છે. જેને કારણે મહેનત કરી જે પાક તૈયાર કર્યો છે. તે નાશ પામવાની શક્યતાઓ છે. જેથી, વહેલી તકે જવાબદાર અધિકારીઓ દ્વારા આપ જે ગેરકાયદેસર પાળો બાંધ્યો છે, તેને તોડવામાં આવે અને જે પેટા કેનાલ બૂરી દેવામાં આવી છે તેને ફરીથી ચાલુ કરવામાં આવે.

- text